error: This Content is protected !!

જસદણમાં 75 વર્ષીય વૃદ્ધાને પાડોશી મહિલાએ પછાડી દઇ પગ ભાંગી નાંખ્યો ગટરના પાણી બાબતનુ ઝઘડો પોલીસ સ્ટેશન પહોંચ્યો

જસદણમાં વાજસુરપરામાં રહેતા 75 વર્ષીય વૃદ્ધા સાથે પાડોશી મહિલાએ ઝઘડો કરી તેમને ધક્કો મારી પછાડી દઇ પગમાં ફ્રેકચર કરી નાંખ્યું હતું. પાડોશીની ગટરનું પાણી ઘરમાં આવતુ હોય જેથી આ બાબતે ટપારતા ઉશ્કેરાઇ હુમલો કરતાં મહિલા સામે ગુનો નોંધાયો હતો.બનાવ અંગે જસદણમાં વાજસુરપરા શેરી નં.16 માં રહેતા શાંતાબેન જીવણભાઇ ડાભી (ઉ.વ.75) એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં રહેતી મહિલા રાધાબેન ઘનશ્યામ બાવળીયાનું નામ આપી જણાવ્યું હતું કે, તે હાલ નિવૃત જીવન ગાળે છે, સંતાનમાં એક દીકરો હિંમત છેે. 

ગઇ તા. 14 ના બપોરના સમયે વૃદ્ધા ઘરની બહાર બેઠા હતા દરમિયાન બાજુમાં રહેતા રાધાબેનના ઘરનું ગટરનું પાણી ફરિયાદીના ઘર તરફ આવતું હોય જેથી તેમણે રાધાબેનને ગટરનું કામ સરખી રીતે કરાવવા કહ્યું હતું.આ સાંભળી રાધાબેને ઉશ્કેરાઇ કહ્યું હતું કે, ગટર સરખી નહીં થાય તારાથી થાય તે કરી લે તેમ કહી ગાળો આપવા લાગી હતી. વૃદ્ધાએ ગાળો આપવાની ના કહેતા ઉશ્કેરાઇ ઘરની બહાર ચોકડીમાં વૃધ્ધાને ધક્કો મારી દેતા તેઓ નીચે પટકાયા હતાં.જેથી તેમને ઇજા પહોંચતા 108 મારફત પ્રથમ જસદણ બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. વૃધ્ધાને પડી જવાથી પગના થાપાનાભાગે ફ્રેકચર થયું હોવાનું અહીં નીદાન થયું હતું. બાદમાં તેમણે આ અંગે પાડોશી મહિલા વિરૂધ્ધ આ ફરિયાદ નોંધાવતા જસદણ પોલીસે મહિલા સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.