આંબરડીમાં જર જમીન અને જોરુ આ ત્રણેય કજીયાના છોરુ ઉક્તિ મુજબ શેઢે થાંભલા ખોડવા મુદ્દે દિયરનૉ ભાભી-ભત્રીજા પર ધોકાથી હુમલો માથું ફોડી નાખ્યું
જસદણ તાલુકાના આંબરડી ગામે જર જમીન અને જોરુ આ ત્રણેય કજીયાના છોરું ઉક્તિ મુજબ પારિવારિક જમીન અને વાડીના મકાનના વિવાદમાં એક સગા દિયરે પોતાની ભાભી અને ભત્રીજા પર જીવલેણ હુમલો કર્યો હોવાની ચકચારી ઘટના સામે આવી હતી. સેઢે સિમેન્ટના પિઢિયા નાખવા જેવી નજીવી બાબતમાં ઉશ્કેરાયેલા શખ્સે ભત્રીજાના માથામાં લાકડાનો ધોકો ફટકારી લોહીલુહાણ કરી નાખતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસ મથકેથી મળતી વિગત મુજબ, આંબરડી ગામે પરિવાર સાથે રહી મજૂરી કામ કરતા અંજુબેન ભરતભાઈ મકવાણા ગત તારીખ 25 ના રોજ સાંજના સમયે તેમના પતિ સાથે વાડીના સેઢે સિમેન્ટના પિઢિયા નાખી રહ્યા હતા. આ દરમિયાન તેમના દિયર ગભરૂભાઈ મકવાણા ત્યાં આવી પહોંચ્યા હતા, પિઢિયા નાખવા બાબતે તકરાર શરૂ કરી હતી.
આરોપી ગભરૂભાઈ એકાએક ઉશ્કેરાઈ ગયા હતા અને અંજુબેનને ગાળો આપી, માથાના વાળ ખેંચી ઝપાઝપી કરવા લાગ્યા હતા. માતાને બચાવવા માટે તેમનો દીકરો નિલેશ વચ્ચે પડતાં આરોપીએ તેની સાથે પણ કૂસ્તી કરી હતી. ત્યારબાદ આરોપીએ બાજુમાં પડેલો લાકડાનો ધોકો ઉપાડી નિલેશના માથામાં ફટકારી દેતા તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડયો હતો. નિલેશને તાત્કાલિક ઈકો ગાડી મારફતે જસદણ સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા, જ્યાં તેને માથા અને કપાળના ભાગે ગંભીર ઈજાઓ હોવાનું સામે આવ્યું હતું. ભોગ બનનાર અંજુબેને ફરિયાદમાં ચોંકાવનારો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આશરે પંદર દિવસ પહેલાં પણ આરોપી દિયરે તેમની સાથે બળજબરીપૂર્વક બથ ભીડી છેડતી કરી હતી. એટલું જ નહીં, આરોપી વારંવાર રાત્રિના સમયે વાડીએ આવીને ડરાવતો અને હેરાન કરતો હતો. આ સમગ્ર મામલે જસદણ પોલીસે અંજુબેનની ફરિયાદના આધારે આરોપી ગભરૂભાઈ મકવાણા વિરૂદ્ધ B.N.S. એક્ટ-2023 ની ક્લમ 75(1), 115(2), 118(1), 352 તથા જી.પી. એક્ટ-135 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.