error: This Content is protected !!

જસદણમાં વરસાદ વચ્ચે પોલીસનું રાતભર પેટ્રોલિંગ નીચાણવાળા વિસ્તારમાંથી ૭૦ જેટલા લોકોનું સુરક્ષિત સ્થળાંતર

નદીના કાંઠે નિચાણ વિસ્તારમાં રહેતા ઝૂંપડપટ્ટીના લોકોને સલામત સ્થળે ખસેડી, રહેવા અને જમવાની વ્યવસ્થા કરાઈ

 

જસદણમાં ગઈકાલે રાત્રે ધોધમાર વરસાદની સ્થિતિ વચ્ચે પોલીસની ટીમે પ્રજાની સુરક્ષાને પ્રાથમિકતા આપી સતત રાતભર ગ્રાઉન્ડ લેવલ પર પેટ્રોલિંગ કરીને અંદાજિત ૭૦ જેટલા લોકોનું સુરક્ષિત સ્થળાંતર કર્યું હતું.

જસદણ એ.એસ.પી. ડૉ. નવીન ચક્રવર્તી અને પોલીસ ઈન્સ્પેક્ટર જે. પી. ગોસાઈના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે સંવેદનશીલ અને નીચાણવાળા વિસ્તારોની સ્થિતિનો તાત્કાલિક તાગ મેળવ્યો હતો. વરસાદના કારણે ભાદર નદીના પાણીના સ્તરમાં વધારો થવાની શક્યતાને ધ્યાને રાખી, નદી કાંઠે આવેલી ઝૂંપડપટ્ટીના રહેવાસીઓની સુરક્ષા માટે તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

પોલીસ ટીમ દ્વારા ભાદર નદી કિનારે રહેતા ૭૦ જેટલા લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી સલામત આશ્રયસ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ સાથે અહીં તમામ લોકો માટે રહેવાની તથા શુદ્ધ જમવાની સંપૂર્ણ વ્યવસ્થા પણ જસદણ પોલીસ અને તંત્ર દ્વારા કરવામાં આવી હતી.

જસદણ પોલીસ તરફથી નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ભારે વરસાદની સ્થિતિમાં નદી-નાળા કે નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવું અને કોઈપણ ઈમરજન્સી પરિસ્થિતિમાં તુરંત પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો.