error: This Content is protected !!

જસદણના કડુકા ગામ ખાતે રૂ. ૪૪૯ લાખના ખર્ચે નવનિર્મિત સરકારી માધ્યમિક શાળાનું લોકાર્પણ કરતા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા

સ્થાનિક કક્ષાએ જ વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણની સુવિધા ઉપલબ્ધ બનતા આવવા-જવાના સમય અને ખર્ચમાં બચત

 

જસદણ-વિછીયા પંથકમાં સીમ શાળાથી લઈ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, વિજ્ઞાન પ્રવાહની કોલેજ અને આઈઆઈટી સુધીની સુવિધાઓ ઉપલબ્ધ

 

 જસદણ તાલુકાના કડુકા ગામ ખાતે સમગ્ર શિક્ષા અંતર્ગત રૂ. ૪૪૯ લાખના ખર્ચે નવનિર્મિત શ્રી સરકારી માધ્યમિક શાળાના બિલ્ડિંગનું શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મંત્રી કુંવરજીભાઈએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા શિક્ષણની સુવિધાઓનું સતત વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. હવે નાના સેન્ટર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ ઉપલબ્ધ બની રહી છે, જેના પરિણામે સ્થાનિક વિદ્યાર્થીઓને દૂર જવાની જરૂરિયાત ઘટી છે અને ઓછા ખર્ચે ગુણવત્તાસભર શિક્ષણ પ્રાપ્ત કરવાની સરળતા થઈ છૅ વધુમાં જણાવ્યું હતું કે, જસદણ અને વિછીયા પંથકમાં સીમ શાળાથી લઈને માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળા, વિજ્ઞાન પ્રવાહની કોલેજ તેમજ આઈઆઈટી જેવી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ શૈક્ષણિક સુવિધાઓના પરિણામે પંથકના વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દી ઘડવા માટે સ્થાનિક કક્ષાએ જ ઉત્તમ તકો મળી રહી છે અને તેઓ સારી રોજગારી મેળવીને આગળ વધી રહ્યા છે.

શાળાના નવા બિલ્ડિંગમાં કુલ ૮ વર્ગખંડો ઉપરાંત ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન એમ ત્રણ મુખ્ય વિષયોની લેબોરેટરી, પુસ્તકાલય તેમજ કોમ્પ્યુટર લેબ સહિતની શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આ પ્રસંગે શાળામાં અભ્યાસ કરી વિવિધ ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરનાર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્યશ્રીઑ સહિતના અગ્રણીઓ, શાળાના શિક્ષકો-વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા