જસદણ પાસૅ કારમાં દારૂની હેરાફેરી પર રૂરલ એલસીબી ત્રાટકી ચોરખાનામાં છુપાવેલ 645 બોટલ દારૂ સાથૅ 7.60 લાખનો મુદ્દા માલ જપ્ત
મધ્યપ્રદેશથી દારૂ ભરી જૂનાગઢ પંથકમાં સપ્લાય થવાનો હતો બેલડીની ધરપકડ અગાઉ પાંચેક વાર ડિલિવરી આપી ગયાની કબૂલાત રિસીવરની પોલીસે શોધખોળ આદરી
જસદણના વિંછીયા બાયપાસ નજીક કારમાં દારૂની હેરાફેરી પર રૂરલ એલસીબી ટીમ ત્રાટકી હતી કારના ચોરખાનામાંથી દારૂની 645 બોટલ સાથે પરપ્રાંતીય બે શખ્સોની ધરપકડ કરી રૂ.7.60 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
મધ્યપ્રદેશથી દારૂ ભરી બેલડી જૂનાગઢ પંથકમાં ડિલિવરી આપે તે પૂર્વે જ રૂરલ એલસીબી ટીમે દરોડો પાડી દારૂ ભરેલી કાર ઝડપી લીધી હતી. હાલ જસદણ પોલીસે એમપીની બેલડીનો કબ્જો સંભાળી રિસીવર અંગે તપાસ આદરી છે.
રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં દારૂ-જુગારની ગેરકાયદે પ્રવૃત્તિને સદંતર નેસ્ત નાબૂદ કરવા અસરકારક કામગીરી કરવાની આપેલ સૂચનાથી એલસીબી પીઆઇ જે પી રાવની રાહબરીમાં ટીમ જસદણ ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તૅ દરમિયાન એલસીબી ટીમને ખાનગી રાહે હકીકત મળી હતી કે, મહિન્દ્રા ટીયુવી જીજે-02-ઝેડઝેડ-3552 નંબરની કારમાં ચોરખાનું બનાવી ગેરકાયદે વિદેશી દારૂનો જથ્થો ભરી બે શખ્સો વિછીયાથી જસદણ તરફ જનાર છે
જે બાતમીના આધારે એલસીબી ટીમએ વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી કાર પસાર થતા આડશ કરી કારને રોકી ઝડતી કરતા કારના ચોરખાનામાંથી રૂ.2,54,775 ની કિંમતની 645 બોટલ મળી આવી હતી. જેથી રૂરલ એલસીબી ટીમે કારમાં હાજર ધનંજય ગુર્જર ભરડીયા અને નિલેશ ઈસરીયા કલેશ (બંને રહે. અલીરાજપુર, મધ્યપ્રદેશ)ની ધરપકડ કરી દારૂ, કાર, મોબાઈલ મળી કુલ રૂ. 7,60,775 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
વધુમાં પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત અનુસાર એમપીની બેલડી અગાઉ ચારથી પાંચ વાર દારૂની ડીલીવરી આપવા આવી ચૂકી છે. જેથી હવે જસદણ પોલીસની ટીમે બેલડીનો કબ્જો સંભાળી રીસીવર અંગે તપાસ આદરી છે.
આ કામગીરી રૂરલ એલસીબી પીએસઆઇ એચ સી ગોહિલ, કે એમ ચાવડા, આર વી ભીમાણી, પી એન ભરવાડ, એએસઆઈ બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, અમિતસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.