વિંછીયા ના સનાળી ગામે પુત્રની સ્કૂલ ફી બાબતે કારખાનેદાર પતિએ પાઇપ ફટકારી પત્નીનુ માથુ ફોડી નાખ્યું
પુત્રને પાઈપ મારવા જતા પત્ની વચ્ચે પડતા તેને પાઇપ ફટકારી દિધો પતિ વિરૂધ્ધ વિંછીયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો
વિંછિયા તાલુકાના સનાળી ગામે કારખાનેદાર પતિએ પુત્રની સ્કૂલ ફી ભરવા બાબતે ઝઘડો કરી પુત્રને પાઈપ મારવા જતા પત્ની વચ્ચે આવતા તેના માથામાં પાઈપનો ઘા ફટકારી લીધો હતો. જે અંગે પરિણીતાએ પતિ વિરુદ્ધ વિંછિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી બનાવ અંગે વિંછિયાના સનાળી ગામે રહેતી ભારતીબેન (ઉ.વ.૩૫) નામની પરિણીતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે પતિ અશોક ખોડાભાઈ સાકરીયાનું નામ આપી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પતિ હીરાનું કારખાનું ચલાવે છે સંતાનમાં ૧૬ વર્ષનો પુત્ર નૈતિક અને ૧૩ વર્ષની પુત્રી અવનિકા છે.ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઈ તા.૧૪ ના સવારના સમયે પરિણીતા ઘરે હતી ત્યારે મોટો પુત્ર નૈતિક સૂતો હતો. દરમિયાન પતિ અશોક કારખાનેથી આવ્યો અને કહ્યું હતું કે, તમે બધા ઘરેથી જતા રહો તથા પુત્રની સ્કૂલ ફી ભરવા બાબતે બોલાચાલી કરવા લાગી ગાળો આપવા લાગ્યો હતો. જેથી પરિણીતાએ ' કહ્યું હતું કે, હું ઘર મૂકીને ક્યાંય જવાની નથી, અહીં જ રહેવાની છું તેમ કહેતા પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી લોખંડનો પાઈપ લઈ પુત્ર નૈતિકને માર મારવા જતા પરિણીતા વચ્ચે આવતા તેને માથામાં પાઈપનો ઘા ફટકારી દીધો હતો. જેથી માથામાં ઇજા થતા પરિણીતા અહીં બેભાન થઈ ગઈ હતી. બાદમાં મોટા પુત્રએ ૧૦૮ માં ફોન કરતા તેમને વીંછિયા સરકારી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને માથામાં છ ટાંકા આવ્યા હતા. પરિણીતાએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, પતિ ઘરકામ બાબતે અવારનવાર શારીરિક માનસિક ત્રાસ આપતો હોય જે તે મુંગા મોઢે સહન કરતી હતી. પરંતુ ગઈકાલે પતિએ પુત્રની સ્કૂલ ફ્રી ભરવા બાબતે બોલાચાલી કરી દીકરાને પાઈપનો ઘા મારવા જતા વચ્ચે આવતા તેને માથામાં પાઈપનો ઘા લાગી ગયો હતો જેથી અંતે તેને પતિ વિરૂધ્ધ આ ફરિયાદ નોંધાવી છે.