રાલૉ સંઘ બાદ હવે રાજકોટ માર્કેટિંગ યાર્ડનો વારૉ આવતા મહિને ચૂંટણીનું જાહેરનામું 2 ડીસેમ્બરે મુદ્ત પૂર્ણ થયા પૂર્વેના 85 દિવસ દરમ્યાન ચૂંટણીનો નિયમ
ડીસ્ટ્રીક્ટ રજીસ્ટ્રાર દ્વારા નિયામકને દરખાસ્ત મોકલવા તૈયારી સહકારી ક્ષેત્રમાં નવો સળવળાટ શરૂ થવાના સંકેત ચહલ પહલ ના મંડાણ
રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં ભાજપમાં બળવાખોરી અને ત્યાર પછીના ઘટના ક્રમોના પડઘા હજુ શાંત થયા નથી ત્યાં હવે રાજકોટ યાર્ડની ચૂંટણીની તૈયારી શરૂ થઇ છે. લોધિકા સંઘથી શરૂ થયેલા `સહકારી ભડકા'ના લબકારા યાર્ડની ચૂંટણીમાં પણ ઉડે છે કે કેમ તેના પર સહકારી આગેવાનોની નજર ખેંચાવા લાગી છે.રાજ્ય સરકારના સહકારી વિભાગના સૂત્રોએ જણાવ્યું છે કે રાજકોટ જિલ્લામાં ત્રણ યાર્ડની ચૂંટણીની તૈયારી છે. ગોંડલ સહિત બે માટે બજાર નિયામકને દરખાસ્ત મોકલી દેવામાં આવી છે. રાજકોટ યાર્ડની ચૂંટણી માટેની દરખાસ્ત આવતા બે-ત્રણ દિવસમાં કરી દેવામાં આવશે. બજાર નિયામક દ્વારા ચૂંટણી જાહેર કરવામાં આવશે. ગોંડલ યાર્ડનું ચૂંટણી જાહેરનામુ ચાલુ મહિનામાં અને રાજકોટ યાર્ડનું આવતા મહિનામાં ચૂંટણી જાહેરનામુ બહાર પડવાની શક્યતા છે.યાર્ડની ચૂંટણીને લાગે વળગે છે ત્યાં સુધી ખેડૂત વિભાગ તથા સહકારી વિભાગ એમ ત્રણ કેટેગરીમાં ડાયરેક્ટરોની ચૂંટણી થાય છે. સૌથી વધુ ખેંચતાણ કૃષિ વિભાગની 10 બેઠકોમાં જ રહે છે. આ વખતે પણ તેનું પુનરાવર્તન થવાની શક્યતા છે. લોધિકા સંઘના ચૂંટણી ઘટનાક્રમને ધ્યાને લેતા યાર્ડમાં પણ ખેંચતાણ વધુ રહેવાનું માનવામાં આવી રહ્યું છે સૂત્રોના કહેવા પ્રમાણે રાજકોટ માર્કેટ યાર્ડને લાગે વળગે છે ત્યાં સુધી ધારાસભ્ય જયેશ રાદડીયાનું વર્ચસ્વ છે અને તેના જુથનો જ દબદબો છે. ભુતકાળમાં હરદેવસિંહ સાથલીયા જુથ સામે પડ્યા હતા પરંતુ આ વખતે તો બન્ને જુથોએ અગાઉથી જ હાથ મિલાવી લીધા છે એટલે તેમના વચ્ચે ટક્કરનો કોઇ સવાલ નથી પરંતુ તાજેતરમાં લોધિકા સંઘની ચૂંટણીમાં આંતરિક જુથવાદનો જે ભડકો સર્જાયો તેના આધારે ભાજપના જ અમુક સહકારી આગેવાનો મેદાને પડવાની શક્યતા નકારાતી નથી રાજકોટની જેમ ગોંડલ માર્કેટ યાર્ડ પણ ગુજરાતના સૌથી મોટા માર્કેટ યાર્ડ પૈકીનું એક ગણાય છે. જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા તેમાં ચેરમેન છે. લોધિકા સંઘની ચૂંટણીના વિવાદમાં તેઓનું નામ ઢસડાયું હતું ભાજપના સતાવાર ઉમેદવાર સામે જીત મેળવનાર વિજય સખીયાએ નાણાંકીય વહિવટનો આક્ષેપ કર્યો હતો. ભાજપ દ્વારા સહકારી ચૂંટણી પણ પક્ષના બેનર હેઠળ લડવાના નિર્ણયને કારણે ભાજપનો સંગઠનની ભૂમિકા વધી ગઇ હોવાથી સંગઠન હોદ્દેદારો સામે પણ આંગળી ચીંધાતી રહે છે. આ સંજોગોમાં ગોંડલ યાર્ડની ચૂંટણીમાં તેમની ભૂમિકા પર નજર રહી શકે છે રાજકોટ યાર્ડની ચૂંટણીનો સળવળાટ શરૂ થવા સાથે સહકારી ક્ષેત્રમાં નવી ચહલપહલના મંડાણ થવાનું મનાય છે. સૂત્રોએ કહ્યું કે નિયમ મુજબ બોર્ડની મુદ્ત પૂર્ણ થાય તેના અગાઉના 85 દિવસમાં ચૂંટણી કરવાની થાય છે. રાજકોટ યાર્ડની મુદત બે ડીસેમ્બરે પૂર્ણ થાય છે. રાજ્યના અનેક યાર્ડમાં સરકારે ચૂંટણી પ્રક્રિયા આગળ ધપાવી હોવાથી રાજકોટ-ગોંડલમાં પણ તે થઇ જવાનું મનાય છે.