વીંછીયા આંકડિયાના જય રખાદાદા મિશન મંગલમ જૂથના સભ્ય મીનાબેન લોરીયા સરસ મેળાના માધ્યમથી ખુશ સ્વનિર્ભરતાના શિખરો સર કરતી નારી શક્તિ
વિકાસ ની નવી કેડી સ્વરોજગાર થકી સરકાર આપણને આગળ લાવવા પ્રયત્ન કરે છે આપણે આપણી કળા બહાર લાવીને આત્મનિર્ભર બનવું જોઈએ મીનાબેન
સરકાર દ્વારા યોજાતા 'સરસ મેળા' આજે ગ્રામીણ ક્ષેત્રની મહિલાઓ માટે પોતાના હુનરને પ્રદર્શિત કરવાનું અને આર્થિક રીતે પગભર થવાનું શ્રેષ્ઠ માધ્યમ સાબિત થઈ રહ્યા છે. તાજેતરમાં રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે આયોજિત સરસ મેળામાં ભાગ લેવા આવેલા વિંછીયા તાલુકાના આંકડિયા ગામના 'જય રખા દાદા મિશન મંગલમ જૂથ'ના સભ્ય મીનાબેન વિજયભાઈ લોરિયાએ પોતાની સફળતા અને સરકારના સહયોગ અંગે વિશેષ ખુશી વ્યક્ત કરી હતી.
મીનાબેને જણાવ્યું હતું કે, મારી પાસે અગાઉ પણ કળા અને કામ કરવાની ઈચ્છા હતી, પરંતુ આવું સરસ પ્લેટફોર્મ નહોતું મળ્યું. સરસ મેળાના માધ્યમથી સુરત, જામનગર અને રાજકોટ સહિત અનેક શહેરોમાં આ પ્રકારના આયોજનોમાં સ્ટોલ ફાળવવામાં આવ્યા છે, જ્યાં અમે હેન્ડિક્રાફ્ટ્સ, કચ્છી વર્ક અને આરી વર્કવાળી પ્રોડક્ટ્સનું ખૂબ સારું વેચાણ કર્યું છે.
સરકાર દ્વારા મેળામાં રહેવા, જમવા તથા પાણીની તમામ સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે, જે બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતાં મીનાબેને જણાવ્યું હતું કે, સરકારશ્રી આપણને આગળ લાવવા માટે આટલા સુંદર પ્રયત્નો કરી રહી છે, ત્યારે આપણે પણ આપણી કળાને બહાર લાવીને આત્મનિર્ભર બનવું જોઈએ.
કળા માત્ર શોખ નથી, પણ સ્વાવલંબનની ચાવી છે." આ ઉક્તિને આંકડિયા ગામના મીનાબેન લોરિયાએ સાર્થક કરી બતાવી છે. હેન્ડિક્રાફ્ટ્સ, કચ્છી વર્ક અને આરી વર્ક જેવી પરંપરાગત કળાઓ હોવા છતાં યોગ્ય પ્લેટફોર્મના અભાવે અજાણ રહેતી ગ્રામીણ મહિલાઓની પ્રતિભાને આજે 'મિશન મંગલમ' અને 'સરસ મેળો' સાચા અર્થમાં વૈશ્વિક ઓળખ આપી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે મળતી રહેવા-જમવાની સુવિધાઓ અને આર્થિક સહાયથી આ બહેનો માત્ર પોતાના પરિવારનો આર્થિક આધાર જ નથી બનતી, પણ અન્ય મહિલાઓ માટે પણ 'આત્મનિર્ભર ભારત'નું ઉદાહરણ પૂરું પાડી રહી છે.