આટકોટ જસદણ રૉડપરથી એલસીબીએ દારૂ-બિયર ભરેલી કાર સાથે ગોંડલના બે શખ્સોને ઝડપી રૂ.૫.૮૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો
આટકોટ જસદણ રૉડપરથી રૂરલ એલસીબી ટીમે દારૂ-બિયર ભરેલી કાર સાથે ચાલક સહીત બે શખસોને ઝડપી લઈ રૂ.૫.૮૮ લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી.
મળતી વિગત અનુસાર રૂરલ એલસીબી પીઆઈ જે.પી .રાવના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એચ. સી.ગોહિલ, કે એમ ચાવડા અને આર વી ભીમાણીની ટીમ રૂરલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઈ ગોહિલ, ધર્મેશભાઈ બાવળીયા, અશોકભાઈ ડાંગર, કાળુભાઈ ધાધલ અને કોન્સ્ટેબલ અમિતભાઈ સુરુ સહિતની ટીમને સંયુક્ત બાતમી મળી હતી કે, જસદણથી આટકોટ તરફ એક કાળા કલરની મારુતિ સુઝુકી કંપનીની એસ ક્રોસ
કાર જીજે-૦૩-જેએલ-૨૨૮૪ માં બે શખ્સો દારૂની હેરાફેરી કરી રહ્યા છે. જે બાતમીના આધારે રૂરલ એલસીબીની ટીમે આટકોટ નજીક-વોચ ગોઠવી હતી. કાર પસાર થતા તેને રોકી ચાલક અને તેની બાજુમાં બેઠેલા શખ્સની પુછપરછ કરતા પોતાના નામ હરેશ ઉર્ફે હરી રાજેશભાઈ વાઘાણી અને અનિલ દિનેશભાઈ વાઘાણી
બંને રહે. ભગવતપરા ગોંડલ હોવાનું જણાવ્યું હતું. પોલીસે કારની તલાસી લેતા પાછળની સીટ અને ડીક્કીમાંથી ૩૭૭ બોટલ દારૂ અને બિયરના ૭૨ ટીન મળી આવતા દારૂ-બિયરનો જથ્થો, મોબાઈલ અને કાર મળી રૂ. ૫,૮૮, ૭૫૦ નો મુદ્દામાલ કબજે કરી બંનેની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી છે.