જસદણના મોતી ચોકની પ્રાચીન ગરબીમાં 95 વર્ષથી હિન્દુ સંસ્કૃતિનો વારસો જીવંત વિવિધ પ્રકારના પ્રાચીન રાસ ગરબાની રમઝટ બોલે છે
નવરાત્રિ યુવક મંડળની ગરબીમાં નાની બાળાઓ દ્વારા પરંપરાગત રાસ-ગરબાની રમઝટ વર્ષોથી સેવારત યુવકો અને કલાકારોનું સરાહનીય યોગદાન
જસદણ શહેરના મોતી ચોકમાં યોજાતી શ્રી નવરાત્રિ યુવક મંડળની પ્રાચીન ગરબી આજે પણ વર્ષો જૂની પરંપરા અને હિન્દુ સંસ્કૃતિના વારસાને જીવંત રાખી રહી છે. છેલ્લા અનેક દાયકાઓથી નાની બાળાઓ દ્વારા વિવિધ પરંપરાગત રાસ-ગરબા રજૂ કરવામાં આવે છે, જે જસદણની સાંસ્કૃતિક ઓળખ બની રહ્યા છે.
આ પ્રાચીન ગરબીની શરૂઆત જાણીતા સમાજસેવક સ્વર્ગસ્થ રતિલાલ અમૃતલાલ વ્યાસના પૂર્વજોએ કરી હતી. એક સમયે જસદણનું ઘરેણું ગણાતી આ ગરબી આજે પણ અશોકભાઈ કનકરાય વ્યાસના માર્ગદર્શન હેઠળ પરંપરાગત રીતે યોજાઈ રહી છે.
ગરબીમાં દરરોજ નાની બાળાઓ દ્વારા તાલીરાસ, દાંડિયારાસ, મંજીરારાસ, ઘડારાસ અને દિવડારાસ સહિતના વિવિધ પરંપરાગત રાસ રજૂ કરવામાં આવે છે. આ રાસ-ગરબા દ્વારા ભારતીય સંસ્કૃતિ, ધાર્મિક પરંપરા અને લોકકલાને જીવંત રાખવાનો સુંદર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
વર્ષોથી સેવા આપતા યુવકો અને કલાકારોનું યોગદાન
શ્રી નવરાત્રિ યુવક મંડળની આ પ્રાચીન ગરબીની પરંપરા જાળવી રાખવામાં વર્ષોથી સેવા આપતા યુવક મિત્રો અને કલાકારોનો પણ મહત્વનો ફાળો રહ્યો છે. જેમાં ગુણવંતભાઈ દરજી, શૈલેષભાઈ દરજી, શૈલેષભાઈ સોલંકી અને જગદીશભાઈ હાલારી સહિતના સેવાભાવી યુવકો સતત યોગદાન આપી રહ્યા છે.
આ ઉપરાંત કિશનભાઈ પ્રજાપતિ (તબલા માસ્ટર), વિનુભાઈ રંગપરા (ગાયક કલાકાર) અને હરેશભાઈ ભોજાણી (ગાયક કલાકાર) સહિતના કલાકારો સંગીત અને ગાયનના માધ્યમથી ગરબીની શોભામાં વધારો કરી રહ્યા છે. આ તમામ સેવાભાવી મિત્રો અને કલાકારોના સહયોગથી પ્રાચીન ગરબીની પરંપરા વર્ષોથી જળવાઈ રહી છે.
આધુનિક સમયના બદલાતા માહોલ વચ્ચે પણ મોતી ચોકની આ પ્રાચીન ગરબીએ પોતાની પરંપરાગત ઓળખ જાળવી રાખી છે. નાની બાળાઓના રાસ-ગરબા અને સેવાભાવી યુવકોના યોગદાનથી વર્ષો જૂની સાંસ્કૃતિક ધરોહર નવી પેઢી સુધી પહોંચાડવામાં આવી રહી છે.
જસદણના મોતી ચોકની આ પ્રાચીન ગરબી આજે પણ પરંપરા, સંસ્કાર, સંગીત અને સંસ્કૃતિના સંગમરૂપે નવરાત્રિની ઉજવણીમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.