જસદણના શિવરાજપુરમાં બાઈક અથડાવા બાબતૅ સશસ્ત્ર અથડામણ કુહાડી પાઇપ ધોકા ઉડયા
પિતા-પુત્ર સહિત ત્રણ ઘાયલ, 11 શખ્સો સામે રાઇટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયૉ પિતા પુત્ર સહિત ત્રણ ઘાયલ સામસામે ફરિયાદ
જસદણ તાલુકાના શિવરાજપુર ગામે મોટરસાયકલ સાઇડમાં ઘસાવા જેવી નજીવી બાબતે બે જૂથો વચ્ચે ધીંગાણું ખેલાયું હતું. આ અથડામણમાં બંને પક્ષના અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયા છે. જસદણ પોલીસે બંને પક્ષની સામસામે ગુનાહિત ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, શિવરાજપુર ગામના રાહુલ વાલજીભાઈ ઝાપડીયા અને બાબુભાઈ લાલજીભાઈ સાપરાના મોટરસાયકલ સામસામે
પસાર થતી વખતે રાહુલના બાઇક પર ટીંગાડેલ દૂધનું કેન બાબુભાઈની બાઇકની પેટી સાથે ઘસાઈ ગયું હતું. આ બાબતનો ખાર રાખી રાત્રે ફોન પર ગાળાગાળી થઈ હતી. ત્યારબાદ રાત્રિના સાડા નવથી દસ વાગયા ના અરસામાં, રાહુલ ઝાપડીયા તેના પિતા વાલજીભાઈ, ભાઈ વિશાલ, મિત્રો અને સગા સંબંધીઓ સહિત કુલ ૮ વ્યક્તિઓનું જૂથ ધોકા, પાઈપ અને કુહાડી જેવા હથિયારો સાથે બાબુભાઈ સાપરાની વાડીએ પહોંચ્યું હતું. ત્યાં મામલો બિચકતાં બંને પક્ષે હથિયાર ઉછળ્યા હતા. પ્રથમ પુત્રના રાહુલ ઝાપડીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપી બાબુભાઈ સાપરા, શૈલેષ સાપરા અને સુનીલ મૂકવાણાએ હુમલો કરી રાહુલના પિતા વાલભાઈના માથામાં લોખંડનો પાઈપ મારી ગંભીર ઇજા પહોંચાડી હતી, જ્યારે રાહુલને મોઢાના ભાગે લાકડી વાગતાં પાંચ ટાંકા આવ્યા હતા. આ ઉપરાંત તેના ભાઈ અને પિતરાઈને પણ ઇજાઓ થઈ હતી. જ્યારે સામા પક્ષે
બાબુભાઈ સાપરાએ નોંધાવેલી વળતી ફરિયાદમાં જણાવ્યું છે કે, રાહુલે જાનથી મારી નાખવાના ઈરાદે તેના પર કુહાડી વડે હુમલો કર્યો હતો, જેમાં તે ખસી જતાં ડાબા કાનના ભાગે કુહાડી વાગતા પાંચ ટાંકા આવ્યા છે. તેમજ અન્ય આરોપીઓએ લાકડી અને પાઈપ વડે માર માર્યો હતો. પોલીસે બંને પક્ષે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો તેમજ હથિયાર બંધીના જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર જે. પી. ગોસાઈ ચલાવી રહ્યા છે