જસદણના અંબાજી મંદિર પાસે રહેતા 18 વર્ષીય યુવકૅ ઝેરી દવા ગટગટાવી લૅતા હોસ્પિટલ ખસેડ્યો સારવાર દરમિયાન મોત પરિવારમાં અરેરાટી વ્યાપી
જસદણના શહેરના કમળાપુર રોડ પર આવેલા અંબાજી માતા ના મંદિર પાસે રહેતા એક 18 વર્ષીય યુવકે કોઈ અગમ્ય
કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા તેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. આ બનાવથી મૃતકના પરિવારમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ હતી. મળતી વિગતો મુજબ, ચોટીલા રોડ પર અંબાજી મંદિર નજીક રહેતા નેહલ જગદીશભાઈ ડાભી ઉ.વ.18 નામના યુવકે બે દિવસ પહેલાં પોતાના ઘરે કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી. ઘટનાની જાણ થતાં
પરિવારજનોએ તેને તાત્કાલિક સારવાર અર્થે જસદણની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. જસદણ ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ યુવકની તબિયત વધુ નાજુક બનતાં તેને ખાનગી હોસ્પિટલમાં રીફર કરાયો હતો. ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર કારગત ન નીવડતા આખરે યુવકે દમ તોડયો હતો.
જસદણ પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલીને અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તજવીજ હાથ ધરી હતી. યુવકે કયા કારણોસર આ આત્યંતિક પગલું ભર્યું તે અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે, જે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. જુવાનજોધ દીકરાએ અકાળે વિદાય લેતાં માતા-પિતા સ્નેહીજનો ઘેરા આઘાતમાં સરી પડયા છે. આ ક્રૂર ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.