જસદણના કનેસરા અનૅ ભાડલાની ગ્રામ પંચાયત લાઇબ્રેરીને પુસ્તકો અર્પણ કરતા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા
શિક્ષિત અને સ્વાવલંબી ગામો જ વિકસિત ભારત- વિકસિત ગુજરાતનો પાયો છે:
વાંચનની ટેવ કેળવી ગ્રામ વિકાસમાં સહભાગી બનવા અનુરોધ
જસદણના ધારાસભ્ય અને મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ તાલુકાના કનેસરા અને ભાડલા ગામોની ગ્રામ પંચાયત કચેરીઓની મુલાકાત લીધી હતી. તેમણે લાઇબ્રેરી માટે પુસ્તક વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ગ્રામ વિકાસ અને જ્ઞાન આધારિત સમાજના નિર્માણ માટે રાજ્ય સરકારના પ્રયાસોને વેગ આપવાનો સંદેશ આપતા કહ્યું હતું કૅ ગામડાંમાં શિક્ષણ, વાંચન, ડિજિટલ સુવિધાઓ, કૌશલ્ય વિકાસ અને જાહેર સેવાઓને વધુ સુલભ બનાવવાના સતત પ્રયાસો થઈ રહ્યા છે. ગ્રામ પંચાયત લાઇબ્રેરીઓ થકી ગામડાંમાં વાંચનની સંસ્કૃતિ મજબૂત બનશે અને શિક્ષણની ગુણવત્તામાં વધારો થશે. આ અભિગમ યુવાનોમાં જ્ઞાનવૃદ્ધિ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ પ્રત્યેની જાગૃતિ અને વાંચનની અભિરુચિ વિકસાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે અને નવી પેઢીને સ્પર્ધાત્મક યુગમાં આગળ વધવાની વધુ સારી તકો પ્રાપ્ત થશે. શિક્ષિત, સજાગ અને સ્વાવલંબી ગામો જ વિકસિત ગુજરાત અને વિકસિત ભારતના પાયાના સ્તંભ છે.
મંત્રી કુંવરજીભાઈ એ ગ્રામજનોને ગ્રામ પંચાયત લાઇબ્રેરીનો નિયમિત ઉપયોગ કરવા, બાળકોમાં વાંચનની ટેવ વિકસાવવા અને ગામના વિકાસમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.
કનેસરા અને ભાડલા ગામ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગ્રામજનો અને સ્થાનિક આગેવાનો સાથે સંવાદ સાધી ગામના સર્વાંગી વિકાસ અંગે ચર્ચા કરી હતી. ત્યારબાદ ગ્રામ પંચાયત લાઇબ્રેરી માટે વિવિધ વિષયોના ઉપયોગી પુસ્તકોનું વિતરણ કરી ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને યુવાનોને તેનો મહત્તમ લાભ લેવા અપીલ કરી હતી
.