જસદણના શ્રી બાલાજી ધામ ગર્ગાચાર્ય પીઠમ્ ખાતે તા,29,ના ગુરુ પૂર્ણિમા મહોત્સવની ધામધૂમથી ઉજવણી થશે
સંતો મહંતોની પાવન ઉપસ્થિતિમાં સવારે 8-30 વાગ્યે ગુરુ પૂજન અને બપોરે 12 વાગ્યે મહાપ્રસાદ ભંડારાનું ભવ્ય આયોજન
જસદણ-વિંછિયા રોડ પર આવેલા સુપ્રસિદ્ધ શ્રી બાલાજી ધામ ગર્ગાચાર્ય પીઠમ્ ખાતે આગામી તારીખ 29 જુલાઈને બુધવારના પવિત્ર દિવસે ગુરુ પૂર્ણિમા મહોત્સવ - 2026 નું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ગુરુ પૂર્ણિમાના આ પાવન પર્વે ધાર્મિક કાર્યક્રમોની શ્રેણી યોજાશે. જેમાં સવારે 8-30 કલાકે ભાવિક ભક્તો દ્વારા ગુરુ પૂજન કરવામાં આવશે. ત્યારબાદ બપોરે 12 કલાકે વિશાળ મહાપ્રસાદ (ભંડારા) નું આયોજન રાખવામાં આવ્યું છે.
આ ધાર્મિક મહોત્સવમાં વિશ્વ વંદનીય મહંત હરિગીરીજી મહારાજ (સંરક્ષક શ્રી પંચદશનામ જૂના અખાડા અને મહામંત્રી અખિલ ભારતીય અખાડા પરિષદ) તેમજ અનંત વિભૂષિત શ્રી શ્રી 1008 જગતગુરુ ગર્ગાચાર્ય પીઠાધીશ્વર મહેન્દ્રાનંદગીરીજી મહારાજ (શ્રી પંચ દશનામ જૂના અખાડા) ખાસ ઉપસ્થિત રહી ભક્તોને આશીર્વચન પાઠવશે.
આ કાર્યક્રમ જસદણથી 6 કી.મી. દૂર વિંછિયા તરફ આવેલા શ્રી બાલાજી ધામ જસદણ ખાતે યોજાશે. શ્રી બાલાજી ધામ ગર્ગાચાર્ય પીઠમ્ દ્વારા ધર્મપ્રેમી જનતા તથા તમામ શ્રદ્ધાળુઓને આ પાવન અવસરે ગુરુચરણોમાં હાજરી આપી ગુરુ વંદના કરી ધન્યતા પ્રાપ્ત કરવા માટે ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.