જસદણ નજીકના શ્રીઘેલા સોમનાથમાં મહાદેવના સાંનિધ્યમાં યોજાશે ભવ્ય ભાતીગળ મેળો, તૈયારી શરૂ કલેકટરે સમીક્ષા બેઠક યોજી
તા, 13 મીથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ યાત્રાધામ ખાતે લાખોની સંખ્યામાં ઉમટી પડનારા શિવભક્તોની સુવિધા અને સુરક્ષાને ધ્યાને રાખીને સરકારી તંત્ર સંપૂર્ણપણે સજ્જ
શ્રાવણી મેળાના આયોજન અને સુરક્ષા વ્યવસ્થાની આખરી સમીક્ષા કરવા માટે જિલ્લા કલેક્ટર ડૉ. ઓમપ્રકાશે રૂબરૂ ઘેલા સોમનાથ દોડી જઈને મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. નોંધનીય છે કે સૌરાષ્ટ્રના મેળા જગજાહેર છે અને આખો શ્રાવણ મહિનો નીતનવા મેળાના આયોજનો વિધ વિધ સ્થળે
થતા હોય છે.
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ગુજરાત સહિત દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં શિવભક્તો જસદણ નજીક આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ઘેલા સોમનાથ ખાતે મહાદેવના દર્શનાર્થે ઉમટી પડે છે. આ સાથે જ સમગ્ર શ્રાવણ માસ દરમિયાન અહીં પરંપરાગત ભવ્ય
લોકમેળાનું પણ આયોજન કરવામાં આવે છે, જેને પગલે પરિસરમાં ભારે જનમેદની એકઠી થાય છે.
આ સ્થિતિને પહોંચી વળવા અને દર્શનાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા કલેક્ટર ડો. ઓમપ્રકાશ દ્વારા બેઠકમાં જરૂરી તમામ આદેશો આપી દેવામાં આવ્યા છે. દર્શનાર્થીઓની ભીડને ધ્યાને રાખીને
યોગ્ય પાર્કિંગ અને સુદ્રઢ ટ્રાફિક નિયમન વ્યવસ્થા ગોઠવવા કડક સૂચના અપાઈ છે. આ ઉપરાંત મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓ માટે પીવાના ચોખ્ખા પાણીની વ્યવસ્થા, અવિરત વીજ પુરવઠો, મોબાઈલ ટાસ્કફોર્સ, એમ્બ્યુલન્સ અને આરોગ્ય વિષયક સેવાઓ સતત તૈનાત રાખવા માટે આદેશ અપાયા છે, જેથી યાત્રાધામના દર્શને આવતા તમામ યાત્રિકો સુખરૂપ દર્શન કરી શકે.
સલામતી અને સુવિધા એ તંત્રની પ્રાથમિકતા રહેશે તેવી કલેક્ટરે ખાતરી આપી હતી અને તેમણે ઉમેર્યું હતું કે આ યાત્રાધામ ખાતે આવતા એક પણ શ્રદ્ધાળુને દર્શન કે મેળો માણવામાં કોઈ મુશ્કેલી ન પડવી જોઈએ. સલામતી અને સુવિધા તંત્રની પ્રાથમિકતા રહેશે.