error: This Content is protected !!

ચોમાસામાં પાણીજન્ય અને મચ્છરજન્ય તાવ શરદી ઉધરસ રોગચાળાથી બચવા આરોગ્ય વિભાગનુ માર્ગદર્શન

ચોમાસાની ઋતુમાં પાણી ઉકાળીને જ પીવા, ધાબા, કૂંડા કે ટાયરમાં પાણી ન ભરાવા દેવું, વાસી કે ખુલ્લો ખોરાક ખાવાનું ટાળવા સલાહ 

 

રાજ્યમાં ચોમાસાની ઋતુમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નાગરિકોના સ્વાસ્થ્ય રક્ષણ અર્થે ખાસ આરોગ્ય વિષયક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

વરસાદી મોસમમાં પીવાના પાણીના સ્ત્રોત દૂષિત થવાથી ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા તેમજ ટાઈફોઈડ, ઝાડા-ઉલટી, કમળો અને કોલેરા જેવા રોગોનું જોખમ રહેલું છે. આ રોગચાળાથી બચવા અને સ્વસ્થ રહેવા આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને સાવચેતીઓ વર્તવા અનુરોધ કરાયો છે પીવાના પાણીની સુરક્ષા: પીવાનું પાણી હંમેશા ઉકાળીને ઠંડુ પાડીને જ પીવું. ઉકાળવાની વ્યવસ્થા ન હોય તો આરોગ્ય ટીમ દ્વારા આપવામાં આવતી ક્લોરીનની ટીકડીઓનો યોગ્ય માત્રામાં ઉપયોગ કરવો.

તાજો અને ઢાંકેલો ખોરાક: ખોરાક હંમેશા ઢાંકીને રાખવો. વાસી, ખુલ્લો કે માખીઓ બેસેલો ખોરાક ન ખાવો. બહારનો કે ખુલ્લામાં વેચાતો ખોરાક ખાવાનું ટાળવું તથા ભોજન કરતા પહેલા હાથ સાબુથી બરાબર ધોવા મચ્છરની ઉત્પત્તિ અટકાવવી: ઘર અને આસપાસના પરિસરમાં ક્યાંય પણ નકામા ટાયર, ડબ્બા, કૂંડા કે ધાબા પર પાણી ભરાઈ ન રહે તેની કાળજી લેવી જોઈએ. મચ્છરદાનીનો ઉપયોગ કરવો અને આખા શરીરને ઢાંકે તેવા કપડાં પહેરવા. રોગચાળાના લક્ષણો જણાય તો તુરંત સારવાર: તાવ, શરદી, ઉધરસ, ઝાડા-ઉલટી કે પેટમાં દુખાવા જેવા લક્ષણો જણાય તો તુરંત જ તમારી નજીકના સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર કે ॥નજીકની હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ. તબીબી માર્ગદર્શન કે ઈમરજન્સી સેવા માટે આરોગ્ય હેલ્પલાઈન ૧૦૪ અને ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા માટે ૧૦૮ ઉપર સંપર્ક કરો.