જસદણના શ્રી બાલાજી ધામ ગર્ગાચાર્ય પીઠમ્ ખાતે ગુરુ દીક્ષા સમારોહ સાથે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી 21 લોકોએ દીક્ષા લીધ
જગતગુરૂ ગર્ગાચાર્ય પીઠાધિશ્વર શ્રી મહેન્દ્રાનંદગીરીજી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં શ્રદ્ધાળુઓ અને કલાકારોએ ગુરુચરણોમાં લીધા આશીર્વાદ
જસદણ-વિંછીયા રોડ પર 6 કિલોમીટર દૂર આવેલા પવિત્ર યાત્રાધામ શ્રી બાલાજી ધામ ગર્ગાચાર્ય પીઠમ્ ખાતે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની અતિ ભવ્ય અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે અનંત વિભૂષિત શ્રી શ્રી 1008 જગતગુરૂ ગર્ગાચાર્ય પીઠાધિશ્વર શ્રી મહેન્દ્રાનંદગીરીજી મહારાજ શ્રી પંચ દશનામ જુના અખાડાના દિવ્ય સાનિધ્યમાં વિશેષ ગુરુ દીક્ષા રોહણ કાર્યક્રમ યોજાયો હતો.
આ પાવન પ્રસંગે હાસ્ય કલાકાર હકાભા ગઢવી રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ખાસ ઉપસ્થિત રહી ગુરુ મહારાજના ચરણોમાં નમન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને ગુરુ પૂર્ણિમાના પર્વનું મહત્વ વ્યક્ત કર્યું હતું
આ ધાર્મિક મહોત્સવનો મુખ્ય આકર્ષણ ગુરુ દીક્ષા રોહણનો વિધિવત કાર્યક્રમ રહ્યો હતો. પૂજ્ય જગતગુરૂ ગર્ગાચાર્ય પીઠાધિશ્વર શ્રી મહેન્દ્રાનંદગીરીજી મહારાજના હસ્તે શાસ્ત્રોક્ત પરંપરા મુજબ 21 લોકોએ ગુરુ દીક્ષા ધારણ કરી ધન્યતા અનુભવી હતી.
ગુરુ પૂર્ણિમાના આ શુભ અવસરે વિવિધ ક્ષેત્રના નામી-અનામી કલાકારો તથા બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગુરુના શરણે પહોંચ્યા હતા. ગુરુદેવના દર્શન અને આશીર્વાદ મેળવીને ઉપસ્થિત તમામ લોકો ભાવવિભોર બન્યા હતા. વહેલી સવારથી જ આશ્રમ પરિસરમાં શ્રદ્ધાળુઓનું ભવ્ય માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું