જસદણના વિરનગરમાં વિધીના બહાને પરણીતાને કડબના પુળા સાથે જીવતી સળગાવી હત્યાના મામલે પાખંડી ભુવાને આજીવન કેદ
મારા માતાજીના મંત્ર પાછા આપ કહી છ વર્ષ પૂર્વે મોતનો ખેલ ખેલ્યો તો ૧૫ સાક્ષીઓની જુબાની અને પુરાવાને ધ્યાનમાં રાખી કોર્ટનો હુકમ
જસદણ તાલુકાના વીરનગર ગામમાં વર્ષ ૨૦૨૦માં અંધશ્રદ્ધાના નામે આચરવામાં આવેલા એક શરમજનક અને અમાનુષી હત્યાકાંડમાં માતાજીના ભુવા નિલેશ કટારા નામના આરોપીને પરણીતા ઊર્મિલાને જીવતી સળગાવી મોતને ઘાટ ઉતારવાના ગુનામાં રાજકોટની સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપી આરોપીને આજીવન કેદની સજા અને રૂ.૨૫ હજારનો દંડનો હુકમ કર્યો હતો તેમજ આરોપીના માસા અને
ભત્રીજાને નિદોર્ષ જાહેર કર્યા હતા.
બનાવની વિગત મુજબ, ૧૮ નવેમ્બર ૨૦૨૦ના રોજ રાત્રિના સમયે વીરનગર ખાતે આવેલી વાડીના મકાન બહાર કુટુંબીજનો એકઠા થયા હતા. આ દરમિયાન આરોપી નિલેશ કાળુ કટારાએ પોતે દશામાનો ભુવો હોવાનો દાવો કરીને ઊર્મિલા પર માતાજીના મંત્ર ચોરી લેવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ પરિવારના અન્ય સભ્યો મુકેશ અને સતીષની મદદથી ઊર્મિલાને જમીન પર પાડી દેવામાં આવી હતી. તેને ઢીંકા-પાટુનો
માર મારી મોઢા પર મુક્કા મારતા હોઠમાંથી લોહી નીકળી ગયું હતું.
આ અત્યાચાર દરમિયાન આરોપી નિલેશે ઊર્મિલાના પતિ પંકજભાઈને રૂમમાં પુરી દીધો હતો. ત્યારબાદ માસા મુકેશ કટારા અને ભત્રીજા સતીષે મહિલાને પકડી રાખી હતી અને નિલેશએ માર કુટ કરી વાડીમાં પડેલો મકાઈનો મોટો પૂડો ઉપાડી તેમાં આગ લગાડીને ઊર્મિલા ઉપર નાખી દીધો હતો. ગંભીર રીતે દાઝી ગયેલી ઊર્મિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું.મૃતકના પતિ પંકજ ચંદાણાએ કરીયાદ કરતા આટકોટ પોલીસે અને ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી. કેસમાં સરકારી વકીલ માથુર દ્વારા રજૂ કરવામાં આવેલી દલીલો, ૧૫ સાક્ષીઓની જુબાની ૧૬ જેટલા દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને રાખી છઠ્ઠા એડિશનલ સેશન્સ જજ એ. કે. શાહે આરોપી નિલેશ કટારાને દોષિત ઠેરવી આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે.