જસદણમાં વીજપોલના વળતર મુદ્દે ભંડારિયા ગામના ખેડૂતોનો વિરોધ સરકારી ઠરાવનો સામૂહિક બહિષ્કાર
ગામની કિસાન સમિતિ દ્વારા વિજ રૅખા અંગેના વળતરની નીતિમાં મોટા છીંડા રખાયાનો આક્ષેપ નવી સહાય નીતિ જાહેર કરવા માંગ
જસદણના ભંડારીયા ગામના ખેડૂતોએ ખેતરોમાંથી પસાર થતા વીજ પોલ અને વીજ રેખા અંગેના સરકારી ઠરાવને સામૂહિક બહિષ્કાર કર્યો છે. ગામની કિશાન સેવા સમિતિ દ્વારા ૩ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ રાજકોટ કલેકટર કચેરી ખાતે ચિટનીશ ટુ કલેકટરને લેખિત આવેદનપત્ર પાઠવીને નવી માંગણીઓ રજૂ કરવામાં આવી છે. ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ દ્વારા ૪ જુલાઈ ૨૦૨૬ ના રોજ એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ ઠરાવ અન્વયે ગત ૨૪ જુલાઈ ૨૦૨૬ ના રોજ મામલતદાર દ્વારા નિયુક્ત બે અધિકારીઓએ ભંડારીયા ગ્રામ પંચાયત ખાતે અસરગ્રસ્ત ખેડૂતોને નોટિસ પાઠવી હતી. આ નોટિસ મળ્યા બાદ ખેડૂતોએ ૩૦ જુલાઈ ૨૦૨૬ ના રોજ એક સામૂહિક સભા બોલાવી હતી, જેમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.ખેડૂતોએ આવેદનપત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે ટેલિગ્રાફ એક્ટ ૧૮૮૫ ની કલમ ૧૦(ઘ) હેઠળ વીજ પોલ અને વીજ રેખા પસાર થવાથી ખેડૂતોને જે વ્યાપક નુકશાન થાય છે તેની વાસ્તવિક ભરપાઈ થતી હોવાનું જણાતું નથી. પૂરતું વળતર ન મળવાના કારણે અસંતોષ વ્યક્ત કરતા ખેડૂતોએ આ ઠરાવનો સામૂહિક રીતે બહિષ્કાર કર્યો છે. ખેડૂતોના વાંધા અને માંગણીઓ સાંભળી યોગ્ય વિચારણા કરવામાં આવે અને ખેડૂતોને સંતોષકારક વળતર મળે તેવો નવો પરિપત્ર જાહેર કરવામાં આવે.જ્યાં પણ શક્ય હોય ત્યાં વીજ
પોલ અને વીજ લાઈનના રૂટ સરકારી ખરાબાની જમીન, બિન-ઉપજાવ જમીન અથવા ખેતરોના શેઢા-પાળા પરથી પસાર કરવામાં આવે જેથી ખેતીલાયક જમીનને ઓછું નુકસાન થાય. ખેડૂતોની માંગ છે કે સરકારે ૨૦૦ ટકા વળતર આપવાની મોટી વાતો કરી હતી, વાસ્તવમાં ફક્ત ૩% ખેડૂતોને જ ૨૦૦% વળતર મળે છે, જ્યારે ૯૭% ખેડૂતોને માત્ર ૩૦% વળતરથી જ સંતોષ માનવો પડે છે. ખેડૂતોની માંગ માર્કેટ ભાવના ચાર ગણા વળતરની છે, જે અંગેની નીતિમાં મોટા છીંડા રાખવામાં આવ્યા છે. ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈનો ખેડૂતોની જિંદગી માટે મોટું જોખમ બની ગઈ છે. શોર્ટ સર્કિટ કે થાંભલા પડવાની દુર્ઘટનાઓ સામે નીતિઓમાં કોઈ સુરક્ષા કે સમાવેશ કરવામાં આવ્યો નથી.