વીંછિયાના ભોંયરાની 35 વર્ષીય પરિણીતાઍ દારૂડિયા પતિ તથા સાસુ સસરાના અમાનુષી અત્યાચારથી કંટાળી પોલીસ નું શરણું લીધું
પતિ દારુ પી મારકુટ કરતો સાસુ સસરા ગાળો ભાંડતા હતા પરણીતાએ 16 વર્ષ સહન કર્યું અંતે વિછીયા પોલીસમાં ફરિયાદ નોંધાવી
વીંછિયા તાલુકાના ભોંયરા ગામે પતિ, સાસુ અને સસરા દ્વારા પરિણીતાને ઢોર માર મારી શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો આ અંગે ભોંયરા ગામની 35 વર્ષીય મહિલા જયશ્રીબેન મકવાણાએ વીંછિયા પોલીસ મથકમાં પોતાના પતિ, સાસુ અને સસરા વિરુદ્ધ ધોરણસરની ફરિયાદ નોંધાવી હતી.જેના પગલે પોલીસે આરોપીઓની ધરપકડ કરવા સહિતની કાર્યવાહી શરૂ કરી છે ઘટનાની મળતી. માહિતી મુજબ, 16 વર્ષના લગ્નગાળા દરમિયાન પીડિતા સાથે અવારનવાર ઝઘડો કરવામાં આવતો હતો. પતિ દરરોજ દારૂ પીને આવીને મારઝૂડ કરતો હતો તેમજ સાસુ અને સસરા પણ અવારનવાર બીભત્સ ગાળો આપી માનસિક તથા શારીરિક ત્રાસ આપતા હતા.
ગત તારીખ 6 ઓગસ્ટના રોજ બપોરના સમયે પતિને ગાયો માટે નીરણ લેવાનું કહેતાં જ તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને પરિણીતાને બીભત્સ ગાળો આપવા લાગ્યા હતા. આ દરમિયાન સાસુ અને સસરા પણ ઘસી આવ્યા હતા અને ત્રણેય જણાએ એકસંપ થઈ પરિણીતા સાથે મારઝૂડ કરી હતી.આ બનાવ અંગે પીડિતાએ તાત્કાલિક પોતાના ભાઈને ફોન કરી જાણ કરતા 112 નંબરની પોલીસ વાન બોલાવવામાં આવી હતી.પોલીસ વાન આવી પહોંચતા પીડિતા પોતાના બાળકો સાથે વિંછીયા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને પતિ જેન્તીભાઈ રઘુભાઈ મકવાણા, રઘુભાઈ જીવરાજભાઈ મકવાણા તથા સાસુ લાભૂબેન રઘુભાઈ મકવાણા સામે ફરિયાદ નોંધાવી હતી. વિંછીયા પોલીસે ત્રણેય સામે બી.એન.એસ. ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી હતી.