હવે ઘેર બેઠા પાસપોર્ટ વેરીફિકેશન માટે અરજદારને પોલીસ સ્ટેશન જવું નહીં પડે બિનજરૂરી ધક્કાથી મુક્તિ ડીજીપી મલીક
પોલીસ કર્મી હાજર ન હોવાથી લોકોને હાલતી પડતી હતી અરજદારની નાગરિક્તા અને ગુનાઈત ઈતિહાસ ચેક કરો રાજ્ય પોલીસ વડા
રાજયના પોલીસ વડાના નવા નિર્ણયથી પાસપોર્ટ ઈચ્છુક હજારો લોકોને મોટી રાહત મળશે. હવે ઘેર બેઠા પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા વગર જ પાસપોર્ટ મળી રહેશે. વેરીફિકેશન માટે અરજદારોને પોલીસ સ્ટેશને બોલાવવાની જરૂર ન હોવાનો આદેશ રાજ્ય પોલીસ વડાએ દરેક પોલીસ સ્ટેશનને આદેશ આપ્યો છે. પાસપોર્ટ માટે અરજદારની નાગરિક્તા અને ગુનાઈત ઈતિહાસ ચેક કરવુ પડશે જો તેમાં કોઈ શંકા લાગે તો રહેઠાણ પર તપાસ કરવી જરુરી છે. રાજ્યના પોલીસ સ્ટેશનોમાં પાસપોર્ટ વેરીફિકેશનની પ્રક્રિયાની કામગીરી સતત વધી રહી છે. જેમાં અરજદારોને રૂબરૂ પોલીસ
સ્ટેશને બોલાવી વેરીફિકેશન કરાય છે. આ દરમિયાન અરજદારોનો સમય બગડે છે અને જો પોલીસ કર્મચારી હાજર ના હોય તો બિનજરૂરી ધક્કા ખાવા પણ પડતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. આ નવા આદેશથી અરજદારોને સમય બચી જશે. ડીજીપી મલિકે સુચના આપી છે કે પાસપોર્ટ વેરીફિકેશન માટે પોલીસે અરજદારની નાગરિકત્તા ચેક કરવાની તેમજ જે તે વ્યક્તિનો કોઈ ગુનાઈત ઈતિહાસ છે કે નહી તે ચેક કરવાનું છે. આ બંને બાબતો ચેક કર્યા બાદ પોલીસને શંકા લાગે તો અરજદારના રહેઠાણ પર તપાસ કરવાની છે. વેરીફિકેશન માટે કોઈપણ અરજદારને પોલીસ સ્ટેશને બોલાવવાની જરૂર નથી.