error: This Content is protected !!

જસદણ, વિંછીયા તાલુકાના ૧૯૭ લાભાર્થીઓને વિવિધ સહાયના હુકમોનું મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે વિતરણ કરાયું

ગંગાસ્વરૂપા બહેનો અને વૃદ્ધો આત્મસન્માન સાથે જીવી રહ્યાં છે યોજનાનો લાભ તમામ જરૂરિયાતમંદ લોકોને મળી રહે તે સુનિશ્ચિત કરવા માર્ગદર્શન આપ્યું 

 

 શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે જસદણ તાલુકાના ૯૩ તેમજ વિંછીયા તાલુકાના ૮૬ ગંગાસ્વરૂપા બહેનો અને વૃદ્ધોને સરકારશ્રીની આર્થિક સહાય યોજનાના હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મંત્રી કુંવરજીભાઇએ આ તકે લાભાર્થીઓને મળતી સહાયને આત્મસન્માનનું પ્રતીક ગણાવતા જણાવ્યું હતું કે, વડીલો, ગંગાસ્વરૂપા બહેનોને નાના-મોટા ખર્ચ માટે કોઈના પાસે હાથ લંબાવવો ન પડે, તેઓ અન્ય પર નિર્ભર ન રહે તે આશય સાથે સરકાર દ્વારા માસિક આર્થિક સહાય આપવામાં આવે છે. વૃદ્ધોને માસિક રૂ. એક હજાર અને વિધવા બહેનોને રૂ. ૧,૨૫૦ તેમના ખાતામાં સીધા જમા કરવામાં આવે છે, જેથી તેઓ જાતે જ તે રકમનો ઉપયોગ કરી શકે આ તકે ઉપસ્થિત પદાધિકારીશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓને એકપણ જરૂરિયાતમંદ લાભાર્થી સહાયથી વંચિત ના રહે તે સુનિશ્ચિત કરવા ખાસ સૂચના આપી હતી.  

 જસદણ સેવાસદન ખાતે આયોજિત કાર્યક્રમમાં મંત્રી કુંવરજીભાઈ ના હસ્તે ‘ઇન્દિરા ગાંધી વૃદ્ધ યોજના’ના ૩૫, ‘નિરાધાર વૃદ્ધ સહાય યોજના’ના ૬ અને ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’ના ૫૨ એમ જસદણ તાલુકાના કુલ ૯૩ લાભાર્થીઓને સહાયના હુકમો એનાયત કરવામાં આવ્યા હતા.

 જ્યારે વિંછીયા સેવા સદન ખાતે આયોજિત કાર્યક્રમમાં મંત્રી બાવળીયા દ્વારા ‘ઇન્દિરા ગાંધી વૃદ્ધ યોજના’ના ૪૬, ‘નિરાધાર વૃદ્ધ સહાય યોજના’ના ૨ અને ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’ના ૩૮ મળીને વિંછીયા તાલુકાના કુલ ૮૬ લાભાર્થીઓને સહાયના હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. 

 પ્રાંત અધિકારીશ્રી આર.આર. ખાંભરાએ વિશેષ માહિતી આપતાં જણાવ્યું હતું કે, જસદણ તાલુકામાં ‘ઇન્દિરા ગાંધી વૃદ્ધ યોજના’ના કુલ ૧,૪૦૪, ‘નિરાધાર વૃદ્ધ સહાય યોજના’ના ૧,૭૨૪ અને ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’ના કુલ ૫,૦૦૬ લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. આ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પ્રતિ માસ કુલ રૂ. ૬૨.૫૭ લાખથી વધુની સહાય લાભાર્થીઓને મળી રહી છે.  

  જ્યારે વિંછીયા તાલુકામાં ‘ઇન્દિરા ગાંધી વૃદ્ધ યોજના’ના કુલ ૧,૨૭૭, ‘નિરાધાર વૃદ્ધ સહાય યોજના’ના ૬૫૪ અને ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’ના ૨,૬૦૪ જેટલા લાભાર્થીઓ છે. રાજ્ય સરકાર દ્વારા પ્રતિ માસ રૂ. ૩૨.૫૫ લાખની સહાય પુરી પાડવામાં આવે છે. 

 જસદણ તેમજ વિંછીયા ખાતે આયોજિત કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, જિલ્લા તેમજ તાલુકાના પદાધિકારીશ્રીઓ, મામલતદારશ્રી બલિયા સહીત અધિકારીશ્રીઓ અને ગામલોકો ઉપસ્થિત રહ્યા હતાં.