જસદણના શિવરાજપુર ગ્રામ ગ્રંથાલયમાં રૂ.૮૦ હજારની કિંમતના પુસ્તકો ભેટ કરતા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા
કારકિર્દી અને જીવન ઘડતરમાં પુસ્તકોનું અનેરું યોગદાન
સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા છાત્રોને આ પુસ્તકો મદદરૂપ બનશે
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જસદણ તાલુકાના શિવરાજપુર ગ્રામ પંચાયતના ગ્રામ ગ્રંથાલયમાં રૂ.૮૦ હજારની કિંમતનાં પુસ્તકો અર્પણ કર્યા હતા.
આ તકે મંત્રી કુંવરજીભાઈએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થી પુસ્તકપ્રેમી હોવો જોઈએ. શૈક્ષણિક અને કારકિર્દી ઘડતર સાથે જીવન ઘડતરમાં પુસ્તકોનું મહત્વનું યોગદાન હોય છે. ત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પુસ્તકો તેમજ અન્ય સાહિત્ય સરળતાથી ઉપલબ્ધ બને તે જરૂરી છે. વિદ્યાર્થીઓ સામાન્ય જ્ઞાન, કરંટ અફેર્સની સાથે સાહિત્યિક તથા ધાર્મિક પુસ્તકો થકી બૌદ્ધિક વિકાસ સાધી શકે તે માટે આ પુસ્તકો ઉપયોગી નીવડશે તેમ જણાવ્યું હતું. આ સાથે માહિતી ખાતા દ્વારા પ્રકાશિત ગુજરાત પાક્ષિક, રોજગાર સમાચાર સહિત પ્રકીર્ણ પુસ્તિકાઓ પણ મંત્રી કુંવરજીભાઈ ના હસ્તે ગ્રામ ગ્રંથાલયને ભેટ કરાયા હતા.
રાજ્ય સરકાર દ્વારા આવનારા દિવસોમાં અન્ય ગ્રામ ગ્રંથાલયોમાં પણ પુસ્તકો વિતરિત કરવામાં આવશે. વધુમાં સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ જરૂરિયાત મુજબ પુસ્તકો આપવામાં આવશે, તેમ મંત્રી બાવળીયાએ એ જણાવ્યું હતું સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પુસ્તકો ભેટ કરી ઉજ્જવળ કારકિર્દીના અભિનંદન પાઠવ્યા હતા.
આ તકે શિવરાજપુર ગામના સરપંચ વલ્લભભાઈ મકવાણા, ઉપસરપંચ મહિપતભાઈ ઝાપડિયા, જિલ્લા પંચાયતના સભ્ય દેવેન્દ્રભાઈ ઝાપડીયા, તેમજ અગ્રણી વાલજીભાઈ ઝાપડીયા સુરેશભાઈ ઝાપડીયા સહિત ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.