error: This Content is protected !!

પ્રજા-કલ્યાણ ક્ષેત્રે ગોંડલના રાજવી સર ભગવતસિંહજીનું અનન્ય યોગદાન દક્ષિણ આફ્રિકાની લડત વખતે મહાત્મા ગાંધીજીને રૂ. ૨૫ હજાર મોકલેલાં

ફરજીયાત શિક્ષણ, કન્યા કેળવણી, હરતીફરતી ડિસ્પેન્સરી સાહિત્ય લોકસેવામાં અગ્રેસર ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી ગોંડલ સંગ્રામસિંહજી હાઈસ્કૂલ ખાતે થશે

 

 

 આજે વિકાસ ક્ષેત્રે ગુજરાત મોડેલ દેશમાં અગ્રેસર બની રહ્યું છે, પરંતુ આઝાદી પહેલાની વાત કરીએ તો, ગોંડલ રાજ્ય પ્રજા-કલ્યાણ ક્ષેત્રે દેશભરમાં અગ્રેસર રહ્યું હતું. ચાહે લોકહિત માટે અનુદાનની વાત હોય કે પછી, શિક્ષણ, સાહિત્ય, આરોગ્ય, માળખાકીય સુવિધાઓ કે પ્રજા-કલ્યાણનાં અન્ય કામો હોય... ગોંડલના રાજવી સર ભગવતસિંહજીની દેશભક્તિ, દૂરંદેશિતા અને પ્રજા-વાત્સલ્ય જાણીતા છે. 

આ વર્ષે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની રાજકોટ જિલ્લાકક્ષાની ઉજવણી ગોંડલ સંગ્રામસિંહજી હાઈસ્કૂલ ખાતે થઈ રહી છે, ત્યારે આ અવસર ગોંડલના સમૃદ્ધ વારસા અને તેની દેશભક્તિની અમર ગાથાના પુનઃ સ્મરણનો બની રહ્યો છે.  

ગોંડલ એ જાડેજા વંશનું પ્રથમ વર્ગનું રાજ્ય હતું. તેની સ્થાપના રાજકોટ રાજ્યના જાડેજા રાજવીના વંશજ કુંભાજી પહેલા (૧૬૫૮-૧૬૭૯) દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ તેમના પુત્ર સંગ્રામસિંહજીએ ગોંડલને પોતાની રાજધાની બનાવી. તેમના પૌત્ર ભા કુંભાજી (૧૭૫૩-૧૭૯૦) એ ગોંડલ અને ધોરાજીમાં મજબૂત કિલ્લાઓ બંધાવી, શક્તિશાળી સેનાની રચના કરી રાજ્યને સુરક્ષિત અને સમૃદ્ધ બનાવ્યું હતું. તે સમયે સૌરાષ્ટ્રના રાજકારણમાં જે ચાર મહાપુરુષોનો અજોડ પ્રભાવ હતો, તેમાં જૂનાગઢના દીવાન અમરજી, જામનગરના દીવાન મેરૂ ખવાસ, ભાવનગરના રાજવી વખતસિંહજી ગોહિલ અને ગોંડલના ભા કુંભાજી મુખ્ય હતા.

ભા કુંભાજી પછી બીજા આઠ રાજવી થઈ ગયા અને ગોંડલ રાજ્યમાં ૧૨ ક્રમાંક થઈ ગયેલા રાજવી ભગવતસિંહજી (૧૮૬૯-૧૯૪૪) ગોંડલ રાજ્યના પ્રજાવત્સલ રાજવી તરીકે જાણીતા છે.

માત્ર ૪ વર્ષની ઉંમરે ગોંડલ રાજ્યના ગાદીવારસ બન્યા હતા. આથી ૧૫ વર્ષ રાજ્યમાં બ્રિટિશ વહીવટ રહ્યો હતો. સન ૧૮૮૪માં ભગવતસિંહજીએ રાજ્યનું શાસન પોતાના હાથમાં લીધું અને સતત ૬૦ વર્ષ સુધી (૧૯૪૪ સુધી) એક આદર્શ અને પ્રગતિશીલ શાસક તરીકે સેવા આપી અને ગોંડલ રાજ્યનું આધુનિકીકરણ કર્યું.  

તેઓ પોતાને રાજ્યના 'ટ્રસ્ટી' માનતા હતા. તેમના શાસનની કેટલીક અભૂતપૂર્વ સિદ્ધિઓ ગોંડલને વિશ્વભરમાં અનન્ય ઓળખ અપાવે છે. 

મહારાજાએ ‘‘ગોંડલ સૌથી પ્રથમ’’નું સૂત્ર આપીને લોક-કલ્યાણ ક્ષેત્રે ઉદાહરણરૂપ કામગીરી કરી હતી. 

કેળવણી અને સ્ત્રી સશક્તિકરણ ક્ષેત્રે ગોંડલની કામગીરી અવ્વલ રહી છે. એ સમયે સમગ્ર ગુજરાતમાં ફરજિયાત કન્યા કેળવણી દાખલ કરનાર ગોંડલ પ્રથમ રાજ્ય હતું. તેમના શાસનમાં શિક્ષણનો ખર્ચ ૨૯ ગણો વધારવામાં આવ્યો હતો. ભાયાતોના બાળકો માટે ૧૮૯૫માં 'ગિરાસિયા કોલેજ' અને શિક્ષકો માટે 'અધ્યાપન મંદિર' શરૂ કરાયું હતું.

ગુજરાતી ભાષાનો અજોડ અને અવિસ્મરણીય શબ્દકોશ 'ભગવદ્ગોમંડલ', જેમાં ૨,૮૧,૩૭૯ શબ્દો સમાવિષ્ટ છે, તે રાજવી ભગવતસિંહજીની દીર્ઘદ્રષ્ટિનું જ પરિણામ છે. 

૧૮૮૫માં જ ઇંગ્લેન્ડની એડિનબરો યુનિવર્સિટીમાંથી એમ.ડી. (M.D.)ની પદવી મેળવનાર આ રાજવીએ પ્રજાના આરોગ્ય માટે હોસ્પિટલો અને ૧૮૮૫માં હરતી-ફરતી ડિસ્પેન્સરી શરૂ કરી હતી. ઉપરાંત, ગોંડલમાં વીજળીની તાર ભૂગર્ભમાં (Underground) નાખવામાં આવી હતી.

મહારાજા ભગવતસિંહજી ખેડૂતોને 'સોનાના ઝાડ' ગણાવતા અને કિસાન કલ્યાણ માટે હંમેશા તત્પર રહેતા. મહારાજાએ દુષ્કાળ સમયે ઘાસની વીડીઓ પશુઓ માટે ખુલ્લી મૂકી, ખેડૂતોનું મહેસૂલ માફ કર્યું અને અન્યાયી કરવેરા નાબૂદ કર્યા હતા. 

ગોંડલ માત્ર રાજ્યવહીવટમાં જ નહીં, પરંતુ રાષ્ટ્રીય ચેતનામાં પણ અગ્રેસર રહ્યું છે. દક્ષિણ આફ્રિકાની લડત સમયે મહારાજાએ ગાંધીજીને રૂ.૨૫,૦૦૦ મોકલ્યા હતા. રવીન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતન માટે પણ ગોંડલ રાજ્ય દ્વારા આર્થિક ફાળો આપવામાં આવ્યો હતો.

ગોંડલની ભૂમિ પર આ વર્ષે સંગ્રામસિંહજી હાઈસ્કૂલ ખાતે યોજાનારો ૮૦મા સ્વાતંત્ર્ય પર્વનો આ જિલ્લાકક્ષાનો કાર્યક્રમ એક વિશેષ ગૌરવની ક્ષણ બની રહેશે.