જસદણની સોલીટેર સોસાયટીમાં ભક્તિમય માહોલ શ્રાવણ માસ નિમિત્તે શિવભક્તો દ્વારા 1008 પાર્થેશ્વર શિવલિંગનું નિર્માણ કરાયું
જસદણના આટકોટ રોડ પર આવેલી સોલીટેર સોસાયટી ખાતે આવેલ શ્રી રામેશ્વર મહાદેવ મંદિરના પવિત્ર સાનિધ્યમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તિસભર આયોજન કરવામાં આવ્યું છે. સોસાયટીના ઉત્સાહી શિવભક્તો દ્વારા સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે 1008 પાર્થેશ્વર શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેનાથી સમગ્ર પરિસરમાં દિવ્ય ઊર્જા અને આધ્યાત્મિક માહોલ છવાઈ ગયો હતો.
આ દિવ્ય અને આસ્થાપૂર્વકના આયોજનનું સફળ સંચાલન સોસાયટીના પ્રમુખ દિપકભાઈ રવિયાના કુશળ માર્ગદર્શન હેઠળ તથા આયોજન સમિતિના ચેરમેન પ્રતિકભાઈ અમરેલીયાની સક્ષમ આગેવાની હેઠળ કરવામાં આવ્યું છે. આયોજકોના જણાવ્યા મુજબ, પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સમગ્ર મહીના સુધી નિયમિતપણે પાર્થેશ્વર શિવલિંગ બનાવવાની આ પવિત્ર પરંપરા ચાલુ રાખવામાં આવશે.
મંદિર પરિસરમાં સોસાયટીના રહીશો, મહિલાઓ અને બાળકો મોટી સંખ્યામાં જોડાઈને મહાદેવની પૂજા-અર્ચના કરી રહ્યા છે. શ્રાવણ માસ દરમિયાન યોજાઈ રહેલા આ ધાર્મિક મહોત્સવથી જસદણ શહેરના શિવભક્તોમાં આનંદ અને ઉત્સાહની લહેર જોવા મળી રહી છે.