error: This Content is protected !!

જસદણના ચકચારી આલ્ફા નવોદય હોસ્ટેલની બાળકીના મૃત્યુ કેસમાં સંચાલકો જયસુખ શંખાળવા બંધુને ચાર્જશીટ પહેલાં જ જામીન મળ્યા

સંચાલકો દ્વારા બાળકીની પૂરતી કાળજી લેવામાં આવતી હોવાની એડવોકેટ તુષાર ગોકાણીની દલીલો હાઈકોર્ટે માન્ય રાખી

 

 

જસદણની આલ્ફા નવોદય અને સૈનિક તાલીમ કેન્દ્રની 10 વર્ષીય વિદ્યાર્થીનીના મૃત્યુના કેસમાં હોસ્ટેલ સંચાલકો જયસુખ સંખાળવા અને હિરેન સંખાળવાને ગુજરાત હાઈકોર્ટે ચાર્જશીટ રજૂ થાય તે પહેલાં જ જામીન મંજૂર કર્યા છે. આરોપીઓ તરફથી એડવોકેટ તુષાર ગોકાણીએ રજૂ કરેલી દલીલોને માન્ય રાખી હાઈકોર્ટે પ્રાથમિક તબક્કે આરોપીઓને જેલમાં રાખવા જરૂરી ન હોવાનું નોંધ્યું હતું. મળતી વિગતો મુજબ, ફરિયાદીએ પોતાની 10 વર્ષીય પુત્રીને તા. 28 એપ્રિલ, 2026થી જસદણની આલ્ફા નવોદય હોસ્ટેલમાં અભ્યાસ માટે દાખલ કરી હતી. તા. 18 જૂને બાળકી બીમાર હોવાનું અને ચીકનપોક્સ થયાની જાણ સંચાલકોને કરી હોવા છતાં સમયસર નિષ્ણાત તબીબ પાસે સારવાર કરાવવામાં આવી ન હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો હતો. બાળકીની તબિયત વધુ લથડતા તા. 24 જૂને તેને જસદણ ખાતે પ્રાથમિક સારવાર અપાવી રાજકોટની અમૃતા હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. ત્યારબાદ સિનર્જી હોસ્પિટલ અને અંતે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી.

આ બનાવ અંગે જસદણ પોલીસ મથકમાં હોસ્ટેલ સંચાલકો વિરુદ્ધ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. ગુનો નોંધાયા બાદ આરોપીઓએ એડવોકેટ તુષાર ગોકાણી મારફતે જામીન અરજી કરી હતી. હાઈકોર્ટ સમક્ષ બચાવ પક્ષે દલીલ કરી હતી કે ફરિયાદમાં જ સ્પષ્ટ છે કે બાળકી બીમાર પડ્યા બાદ સંચાલકોએ પોતાના ખર્ચે સૌપ્રથમ જસદણ ખાતે સારવાર કરાવી હતી.અને ત્યારબાદ રાજકોટની બાળરોગ નિષ્ણાત હોસ્પિટલ, સિનર્જી હોસ્પિટલ તથા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. આથી સંચાલકો દ્વારા બાળકીની ઉપેક્ષા કે સારવાર અંગે ગંભીર બેદરકારી દાખવવામાં આવી હોવાનો આરોપ પ્રથમદર્શી રીતે સાબિત થતો નથી. સામા પક્ષે જામીનનો વિરોધ કરી દલીલ કરવામાં આવી હતી કે બાળકી બીમાર હોવા છતાં સમયસર નિષ્ણાત બાળરોગ તબીબની સારવાર અપાઈ નહોતી તથા માતા-પિતાને પણ તેની તબિયત અંગે જાણ કરવામાં આવી ન હતી. તપાસ દરમિયાન સીસીટીવી સહિતના પુરાવાઓ રજૂ કરી આરોપીઓને જામીન ન આપવા માંગ કરવામાં આવી હતી.

બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ હાઈકોર્ટે નોંધ્યું હતું કે ચીકનપોક્સ જેવી બીમારીમાં ન્યુમોનિયા, એન્સેફેલાઇટિસ, સેપ્સિસ અને ડિહાઈડ્રેશન જેવી ગંભીર જટિલતાઓ ઊભી થઈ શકે છે, જે અંગે બિનતબીબી વ્યક્તિને સંપૂર્ણ જાણકારી હોવી જરૂરી નથી. આરોપીઓ દ્વારા બાળકીની પ્રથમ સ્થાનિક તબીબ પાસે અને ત્યારબાદ બાળરોગ નિષ્ણાતની હોસ્પિટલમાં સારવાર કરાવવામાં આવી હોવાની હકીકતને પણ અદાલતે ધ્યાનમાં લીધી હતી.હાઈકોર્ટે પ્રાથમિક રીતે જણાવ્યું હતું કે બાળકીની સારવાર માટે બાળરોગ નિષ્ણાતની મદદ લેવામાં વિલંબ થયો હોય તો તે વધુમાં વધુ સંચાલકોની ભૂલનો મુદ્દો બની શકે છે. જામીનના તબક્કે પુરાવાઓની વિગતવાર ચર્ચા કર્યા વિના આરોપીઓને વધુ સમય સુધી જેલમાં રાખવા યોગ્ય ન હોવાનું માની, ચાર્જશીટ પહેલાં જ બંને સંચાલકોના જામીન મંજૂર કર્યા હતા.

આ અતિ ચકચારી પ્રકરણમાં આલ્ફા નવોદય હોસ્ટેલના સંચાલકો વતી સૌરાષ્ટ્રના ખ્યાતનામ ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, પ્રતિક જસાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, ઉઝેર કુરેશી, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, નદિમ ધંધુકિયા, વિશાલ કૌશીક, ભૂમિકા નંદાણી, દિવ્યમ દવે, નૈમીષ રાદડીયા, કેવિન ભીમાણી, મૃત્યુંજય જોષી, જયદેવસિંહ જાડેજા, હીરલ નિમાવત રોકાયેલ હતા