error: This Content is protected !!

જસદણ જેતપુર ગોંડલ ધોરાજી સહિત જિલ્લામાં ઍક માસમાં ૩૩ આંગણવાડીને વહીવટી તંત્ર દ્વારા જમીન ફાળવાઈ

કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશની સૂચનાથી ખાસ ઝુંબેશ હાથ ધરી 

જસદણમાં પ્રાંત રાહુલ ખાંભરા દ્વારા ૧૦ કેન્દ્રોમાંથી ૬ કેન્દ્રને આંગણવાડીની જમીન અપાઈ

 

 

 

રાજકોટ જિલ્લામાં વિવિધ આંગણવાડીઓના જમીનનો પ્રશ્ન જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશના ધ્યાને આવ્યો હતો. આથી તેમણે વિવિધ પ્રાંત અધિકારીઓને આંગણવાડીઓને વહેલીતકે જમીન ઉપલબ્ધ કરાવવા ખાસ ઝુંબેશ હાથ ધરવા નિર્દેશ આપ્યો અને આ પ્રશ્નો સત્વરે નિકાલ લાવવા સૂચના આપી હતી.   

આ સાથે જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદના સીધા માર્ગદર્શન તેમજ જિલ્લા મહિલા અને બાળ અધિકારી જનકસિંહ ગોહિલ, સ્થાનિક સ્તરે પ્રાંત અધિકારીઓના સક્રિય સહયોગ અને આઈ.સી.ડી.એસ.ના વિવિધ અધિકારીઓના સંયુક્ત પ્રયાસોથી મિશન મોડમાં કામગીરી કરીને આંગણવાડીની જમીન અંગેની સમસ્યાનું માત્ર એક જ મહિનામાં નિરાકરણ લાવવામાં આવ્યું છે. તંત્રના સઘન પ્રયાસોના પરિણામે જિલ્લાના કુલ ૩૩ આંગણવાડી કેન્દ્રોને જમીન ફાળવવામાં આવી છે

 ધોરાજી તાલુકામાં પ્રાંત અધિકારી નાગાજણ તરખલાએ વિશેષ કવાયત હાથ ધરીને આંગણવાડી ૨૨ કેન્દ્રો માટે જમીન ઉપલબ્ધ કરાવી હતી. જ્યારે જસદણ તાલુકામાં પ્રાંત અધિકારી રાહુલ ખાંભરા દ્વારા અગાઉ નગરપાલિકા વિસ્તારમાં આવેલા જમીનવિહોણા ૧૦ કેન્દ્રોમાંથી ૬ કેન્દ્રો માટે જમીન ફાળવવામાં આવી છે. જેતપુર તાલુકામાં અગાઉ નગરપાલિકા વિસ્તારમાં આવેલા જમીન વિહોણા ૦૫ કેન્દ્રોમાંથી ૪ કેન્દ્રો માટે જ્યારે ગોંડલ તાલુકામાં અગાઉ ગ્રામ્ય વિસ્તારમાં આવેલા જમીન વિહોણા એક આંગણવાડી કેન્દ્ર માટે પણ જમીનની ફાળવણી કરવામાં આવી છે. આમ, કુલ ૩૮માંથી ૩૩ આંગણવાડી કેન્દ્રો માટે જમીન ઉપલબ્ઘ થતાં સુવિધાજનક આંગણવાડીઓના નિર્માણનો માર્ગ મોકળો થયો છે. જ્યારે બાકી રહેલા માત્ર ૦૫ કેન્દ્રો માટે પણ વહીવટી તંત્ર દ્વારા પ્રક્રિયા હાલ ગતિમાન છે.