ચારધામની યાત્રાથી પરત ફરી રહેલા નેપાળના ભયાનક પૂર્વ વચ્ચે આબાદ બચાવ ૧૦ મિનિટનો ચાનો બ્રેક અને એલર્ટ ડ્રાઈવરે ૨૮ શ્રદ્ધાળુઓનો જીવ બચાવ્યો
આંધ્ર પ્રદેશ તેલંગાણા અને કર્ણાટકના ૨૮ શ્રદ્ધાળુઓ, જેઓ નેપાળમાં આવેલા વિનાશક પૂરની ઝપેટમાં આવતા-આવતા બચી ગયા હતા, તેઓ શનિવારે સુરક્ષિત રીતે પોતપોતાના વતન પહોંચી ગયા છે આ ૨૮ સભ્યોનું જૂથ કૈલાશ માનસરોવર યાત્રા પર ગયું હતું. પ્રવાસનું આયોજન કરનાર તિરુપતિના સાઈન ઈન ટ્રાવેલ્સના મેનેજિંગ ડિરેક્ટર પેમ્માસાની વેંકટરમણાએ જણાવ્યું કે તેમની મુસાફરી દરમિયાન માત્ર ૧૦ મિનિટનો ચાનો બ્રેક જ તેમના બધા માટે જીવતદાન સાબિત થયો હતો.
તેમણે જણાવ્યું કે તેઓ વહેલી સવારે નેપાળ-તિબેટ સરહદ પર આવેલા સ્યાબ્રુબેસી પહોંચવાના હતા, પરંતુ રસ્તામાં ચા પીવા માટે રોકાતા ૧૦ મિનિટનું મોડું થયું હતું. એ જ સમયે પૂર આવવાની માહિતી મળતાં જ ડ્રાઈવરે ત્વરિત બુદ્ધિ વાપરીને ગાડી પાછી
વાળી લીધી અને બીજા રસ્તે થઈને બધાને સુરક્ષિત જગ્યાએ પહોંચાડી દીધા. તિરુપતિના જ અન્ય એક શ્રદ્ધાળુ કલ્પનાએ જણાવ્યું કે, સવારે ૬૩૦ વાગ્યે હોટેલથી નીકળ્યા પછી ૮૦ કિલોમીટર કાપ્યા બાદ તેઓ ચા માટે રોકાયા હતા. ત્યારે જ ડ્રાઈવરને આગળ પૂર આવ્યું હોવાનો એલર્ટ મેસેજ મળ્યો અને તેણે તુરંત જ યુ-ટર્ન લઈ લીધો હતો.
બીજી તરફ, નવી દિલ્હી સ્થિત આંધ્ર પ્રદેશ ભવનના અધીકારીઓએ પુષ્ટિ કરી છે કે ૧૪૪ સભ્યોના જૂથમાંથી કુર્નૂલ જિલ્લાના ચાર લોકો સુરક્ષિત સ્થળે પહોંચી ગયા છે અને તેમને કાઠમંડુ પાછા લાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અધિકારીઓનાં જણાવ્યાં મુજબ કાઠમંડુથી નવી દિલ્હીની તેમની રિટર્ન ફ્લાઈટ ૧ સપ્ટેમ્બર માટે કન્ફર્મ થઈ ગઈ છે. વિદેશ મંત્રાલય (MEA) સાથે મળીને તમામ રાહત અને બચાવ કાર્યોનું સતત સંચાલન કરવામાં આવી રહ્યું છે.