error: This Content is protected !!

ગોંડલના પાટીદડ ખાતે મંત્રી કુંવરજીભાઈ ની અધ્યક્ષતામાં ૭૭મા વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણીમા વૃક્ષ રથનો પ્રારંભ જિલ્લામાં સાડા પાંચ લાખ વૃક્ષો રોપાયા

મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં ગોંડલના પાટીદડ ખાતે ૭૭મા વન મહોત્સવનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. "એક પેડ માઁ કે નામ ૩.૦" અભિયાન અંતર્ગત મંત્રીએ પીપળાનું રોપણ કર્યા બાદ વૃક્ષ રથને પ્રસ્થાન કરાવ્યું અને લોકોને વધુમાં વધુ વૃક્ષ વાવીને પર્યાવરણ જતનમાં સક્રિય યોગદાન આપવા આગ્રહ કર્યો હતો. સામાજિક વનીકરણ વિભાગ-રાજકોટ દ્વારા પાટીદડમાં વિમલ રિસર્ચ સોસાયટી ખાતે વન મહોત્સવની જિલ્લાકક્ષાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંત્રી કુંવરજીભાઈએ લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, "એક પેડ માઁ કે નામ ૩.૦ અભિયાન" હેઠળ રાજકોટ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં સાડા પાંચ લાખ રોપાઓ વાવવામાં આવ્યા છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યનો દરેક નાગરિક એક-એક વૃક્ષ વાવે એ માટે સઘન પ્રયાસો કરી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. આ સાથે મંત્રીશ્રીએ કહ્યું હતું કે, "એક પેડ માઁ કે નામ ૩.૦" હેઠળ રાજ્યમાં ૨૮૮ આઈ.ટી.આઈ.માં એક સપ્તાહમાં ૧૦ હજાર વૃક્ષોના વાવેતરનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે ગાંધીનગરની આઈ.ટી.આઈ.થી વૃક્ષારોપણનો આરંભ થઈ ગયો છે.વૃક્ષોના વાવેતર અને ઉછેર માટે સરકાર દ્વારા અપાતી સહાયનો ઉલ્લેખ કરતાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ખેતરમાં શેઢે વૃક્ષારોપણ કરવા ખેડૂતોને પ્રોત્સાહન મળે તે માટે વનવિભાગ દ્વારા છોડ દીઠ રૂ.૧૨૦ની સહાય આપવામાં આવે છે. જ્યારે વર્ષો જૂના વડલા-પીપળા જેવા વૃક્ષો આપણી વિરાસત સમાન છે. આવા વૃક્ષોના જતન માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. પાંચ હજારની સહાય આપવામાં આવે છે ભાવિ પેઢીના સ્વાસ્થ્ય અને ઉજ્જવળ ભવિષ્ય માટે પર્યાવરણનું જતન જરૂરી હોવાનું જણાવીને મંત્રી કુંવરજીભાઈ એ ઉપસ્થિત સૌને એક-એક વૃક્ષ અચૂક વાવવા ખાસ આગ્રહ કર્યો હતો.