error: This Content is protected !!

વિંછીયા યાર્ડ ખાતે સૌની યોજનાની લિન્ક-૪ સંલગ્ન રૂ. ૩૧.૯૪ કરોડના કામોના ખાતમુહૂર્ત પ્રસંગે સભા યોજાઈ

સૌની યોજનાથી સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી પશુપાલકોનું હિજરત અટક્યું જળ સંપત્તિ રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલ  

 

જસદણ-વિંછીયા વિસ્તારમાં રૂ. ૨૦૦ કરોડના ખર્ચે ૧૧૦ કિ.મી. લાંબી પાઇપલાઇનનું નેટવર્ક લંબાવાશૅ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા 

 

રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની ઉપસ્થિતિમાં જળસંપત્તિ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલે આજે વિંછીયા ખાતે 'સૌની યોજના'ની લિન્ક-૪ સાથે ચેકડેમ, તળાવો સાંકળવાના રૂ. ૩૧.૯૪ કરોડના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ અવસરે વિંછીયા માર્કેટિંગ યાર્ડ ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, વિંછીયા ખાતે ₹ ૩૧.૯૨ કરોડના ખર્ચે તળાવો અને ચેકડેમો ભરવાના કામોનું ખાતમુહૂર્ત જળસંપત્તિ મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે કર્યું છે. 

 જસદણ અને વિંછીયા આસપાસના ગ્રામ્ય વિસ્તારો માટે વરદાન સાબિત થનારી આસલપુરથી ભાડલા સુધીની સૌની યોજનાનું આશરે ૮૦% કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. આગામી ૨થી ૩ મહિનામાં પમ્પિંગ સ્ટેશન કાર્યરત કરી ધારેઈ સુધી પાણી પહોંચાડવામાં આવશે, જેનાથી વિંછીયા અને આસપાસના પાનીયા, ભાડેર, રેવાણીયા, મોરી અને અમરાપુર સહિતના અનેક ગ્રામીણ વિસ્તારોના જળસ્ત્રોતો નર્મદાના નીરથી છલકાશે. આ પ્રકલ્પ માત્ર પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ જ નહીં, પરંતુ પશુપાલન અને ખેતી માટે પણ સંજીવની સમાન સાબિત થશે.

 

 

વધુમાં મંત્રી કુંવરજીભાઈએ જણાવ્યું હતું કે, 'સૌની યોજના'ના કન્સેપ્ટને કારણે આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી પશુપાલકોની હિજરત અટકી છે. જસદણ વિધાનસભા વિસ્તારમાં ₹૨૦૦ કરોડના ખર્ચે આશરે ૧૧૦ કિલોમીટર લાંબી પાઇપલાઇનનું નેટવર્ક માખાવડ ડેમ સુધી લંબાવવામાં આવી રહ્યું છે, જેનાથી ૪૦૦૦થી વધુ ખેડૂતોને સીધો આર્થિક ફાયદો થશે.

મંત્રી ઈશ્વરસિંહ પટેલે સંબોધનમાં જણાવ્યું હતું કે સૌની યોજનાની પાઈપલાઈન આસપાસ તળાવો ભરવાની મર્યાદા ૩ કિલોમીટરથી વધારીને ૭ કિલોમીટર કરવાની મંજૂરી આપી છે, જેથી વધુ વિસ્તારને આવરી શકાય. આ નવી યોજના અંતર્ગત ૭૫ કિલોમીટરથી વધુ લાંબી HDPE અને MS પાઇપલાઇન નાખીને રાજકોટ, બોટાદ અને અમરેલી જિલ્લાના ૨૫ ગામોની ૨૨૨૩ એકર જમીનને સિંચાઈનો સીધો લાભ અપાશે. 

આ તકે અધિક સચિવ અને ચીફ એન્જિનિયર શ્રી એસ.જી.પંડ્યા, રાજકોટ સિંચાઈ યોજના વર્તૃળના અધિક્ષક ઈજનેર શ્રીમતી સી.પી.ગણાત્રા, પ્રાંત અધિકારી શ્રી રાહુલ ખાંભરા, સૌની યોજનાના એક્ઝિક્યુટીવ એન્જીનિયર શ્રી અંકિત પિનારા, સહિતના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.