જસદણની જીવાદોરી સમાન આણલસાગર ડેમ ની જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ તથા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈઍ મુલાકાત લીધી
આણલસાગર તળાવને ઊંડુ ઉતારી જળસંગ્રહ ક્ષમતા વધારવા પાળો બંધારો વધુ ઊંચૉ કરવા મંત્રીઍ અધિકારીઓને મહત્વના સૂચનો આપ્યા
રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે આજે રાજકોટ જિલ્લામાં જળસંચયને લગતા વિવિધ વિકાસ પ્રકલ્પોની મુલાકાત લઈને સમીક્ષા કરી હતી. મંત્રીએ ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણી અને સિંચાઈની સુવિધાઓ વધુ સુદ્રઢ બને તે હેતુથી અધિકારીઓ સાથે સંવાદ કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
મંત્રી ઈશ્વરસિંહ પટેલે બપોરે વિંછીયા પાણી પુરવઠા યોજનાની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે યોજનાની વર્તમાન કામગીરી, પાણીના વિતરણની વ્યવસ્થા અને આગામી આયોજન અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી. સ્થાનિક લોકોને પૂરતા પ્રમાણમાં શુદ્ધ અને નિયમિત પાણી મળી રહે તે માટે કામગીરી કરવા તેમણે સૂચના આપી હતી.
ત્યારબાદ જળ સંપતિ રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલૅ જસદણની જીવાદોરી સમાન સાત ગામને સિંચાઈ અને જસદણ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા આણલસાગર ડેમની મુલાકાત લઈને ત્યાંની ભૌગોલિક સ્થિતિ અને જળસંગ્રહ ક્ષમતાનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને જળસંચયનો મહત્તમ લાભ મળી શકે તે માટે તેમણે ડેમ (તળાવ)ને ઊંડું કરવા તેમજ તેની પાળનો બંધારો વધુ ઊંચો કરવા માટે સ્થળ પર જ ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી હતી. આ કામગીરીથી આસપાસના વિસ્તારોના ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવશે અને સિંચાઈ માટે વધુ પાણી ઉપલબ્ધ બનશે
આ તકે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, અધિક સચિવ અને ચીફ એન્જિનિયર એસ.જી.પંડ્યા, રાજકોટ સિંચાઈ યોજના વર્તૃળના અધિક્ષક ઈજનેર શ્રીમતી સી.પી.ગણાત્રા, સૌની યોજનાના એક્ઝિક્યુટીવ એન્જીનિયર અંકિત પિનારા, (ઈન.) એક્ઝિક્યુટીવ ઈજનેર પી.એમ. ભોજાણી સહિતના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.