error: This Content is protected !!

બાળક જન્મ્યું પણ શ્વાસ બંધ! ૧૦૮ની ટીમે સતત અડધો કલાક સી.પી.આર. અને કૃત્રિમ શ્વાસ આપતાં હૃદય ધબકતું થયું

દડવા હમીરપરા ૧૦૮ની ટીમ શ્રમિક પરિવાર માટે દેવદૂત સમાન બની

માતાને ઝેરી કમળો, અગાઉ ત્રણ બાળક ગુજરી ગયા હતા.

 

તમે આજે અમારા માટે ભગવાન બનીને આવ્યા છો, આવું જ ભગીરથ કાર્ય કરતા રહો" - માતા શશીબેન અને પરિવાર ગદગદ થઈ ગયાં

 

માતા જેના જન્મના સપના જોતી હતી એ બાળક જન્મ્યું પણ રડ્યું નહીં, બાળક શ્વાસ જ નહોતું લેતું.. માતાને ઝેરી કમળો હતો અને તેમની તબિયત પણ બગડી.. પરિવારના શ્વાસ અદ્ધર થઈ ગયા.. પણ દડવા હમીરપરાની ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સની ટીમે ફોન પર ડોક્ટરના માર્ગદર્શન મુજબ નવજાતને સતત અડધો કલાક સી.પી.આર. અને બી.વી.એમ. થકી કૃત્રિમ શ્વાસ આપ્યા અને અચાનક બાળક શ્વાસ લઈને રડવા માંડ્યું... બાળકનાં પ્રથમ રુદનથી માતા, પરિવાર, ૧૦૮ની ટીમના જીવમાં જીવ આવ્યો.. જાણે બાળકને જન્મ પછી નવું જીવન મળ્યું! 

આ હૃદયસ્પર્શી ઘટના રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રાજપીપળા ગામમાં ઘટી છે.

૧૦૮ની ટીમના જિલ્લા કોઓર્ડિનેટર યોગેશ જાનીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ૪ જુલાઈની સવારે ૧૧:૩૫ કલાકે દડવા હમીરપરાની ૧૦૮ એમ્બ્યુલન્સને નવા રાજપીપળા ગામના વાડી વિસ્તારમાંથી એક ઈમરજન્સી કોલ મળ્યો. પાયલોટ લાલજીભાઈએ સમયની ગંભીરતા સમજીને ગણતરીની મિનિટોમાં એમ્બ્યુલન્સને વાડી વિસ્તારના કાચા અને દુર્ગમ રસ્તાઓ પરથી પસાર કરીને ઘટનાસ્થળે પહોંચાડી દીધી.

સ્થળ પર પહોંચતા જ ઈ.એમ.ટી. સુલય રાઠોડે જોયું કે, માતા શશીબેનની ડિલિવરી થઈ ચૂકી હતી, પરંતુ ત્યાં એક સન્નાટો છવાયેલો હતો. નવજાત શિશુના શરીરમાં કોઈ જ હલનચલન નહોતું, બાળક શ્વાસ જ નહોતું લેતું અને જાણે નિષ્પ્રાણ અવસ્થામાં લાગતું હતું. એકતરફ નવજાત બાળક અને બીજીતરફ પીડા અને આઘાતથી કણસતી માતા... આ દ્રશ્ય વિચલિત કરી દે તેવું હતું. પરંતુ ૧૦૮ની ટીમે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના કે ગભરાયા વગર પોતાની ફરજ સંભાળી.

માતા અને શિશુને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરવામાં આવ્યા. ઈ.એમ.ટી. સુલય રાઠોડે હિંમત હાર્યા વિના બાળકને નવજીવન આપવા માટે સતત સી.પી.આર. આપવાનું શરૂ કર્યું, સાથે બી.વી.એમ. મશીનથી કૃત્રિમ શ્વાસોચ્છાસ શરૂ કરવામાં આવ્યા. આ સાથે જ માતા શશીબેનની પણ સારવાર શરૂ કરી દેવામાં આવી. 

એ જ વખતે ઈ.આર.સી.પી. ડૉ. યુવરાજ સાથે ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો. ડૉ. યુવરાજે પરિસ્થિતિની અત્યંત ગંભીરતા સમજીને ઈ.એમ.ટી. સુલય રાઠોડને સતત સી.પી.આર. ચાલુ રાખવા અને ઝડપથી હોસ્પિટલ પહોંચવા સહિતનું માર્ગદર્શન પૂરું પાડ્યું.

ખરા અર્થમાં દડવા હમીરપરાની ૧૦૮ની આ ટીમે સાબિત કરી દીધું કે, ૧૦૮ માત્ર મેડિકલ એમ્બ્યુલન્સ નહીં પણ લોકો માટે 'સંજીવની' છે.