જસદણના કોઠી ગામે પરિણીતા કાજલ સાપરાની કેળના ઝાડમાં ફાંસો ખાધેલી લાશ મળી માવતર પક્ષે હત્યાનો આક્ષેપ
20 વર્ષીય કાજલ રાત્રે ગુમ થયા બાદ વહેલી સવારે મૃતદેહ મળી આવતા ચકચાર, ગંભીર આક્ષેપ થતા રાજકોટ સિવિલમાં ફોરેન્સિક પીએમ કરાયું
જસદણના કોઠી ગામે રહેતા કાજલબેન રવિવારે મોડી રાત્રે પોતાના ઘરેથી અચાનક ગુમ થઈ ગયા હતા. પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ કોઈ ભાળ મળી નહોતી દરમિયાન સોમવારે વહેલી સવારે ઘરની નજીક આવેલી વાડીમાં તપાસ કરતાં કાજલબેનનો મૃતદેહ કેળના ઝાડ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. મૃતદેહ મળતાં જ પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી અને ગામમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ જસદણ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા. તપાસને વધુ અસરકારક બનાવવા માટે એએસપી, એસઓજી, એલસીબી, એફએસએલ તેમજ ડોગ સ્કવોડની ટીમોને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. વિવિધ તપાસ એજન્સીઓએ સ્થળ પરથી પુરાવાઓ એકત્ર કર્યા હતા અને ફોરેન્સિક તપાસ માટે જરૂરી નમૂનાઓ પણ લીધા હતા. મૃતકના માવતર પક્ષના પરિવારજનોએ આ સમગ્ર ઘટનામાં શંકા વ્યક્ત કરતાં કાજલબેનની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરી છે અને સમગ્ર મામલાની નિષ્પક્ષ તથા ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરી છે. બીજી તરફ પોલીસ હાલ આત્મહત્યા, હત્યા તેમજ અન્ય સંભવિત કારણોને ધ્યાનમાં રાખીને તપાસ આગળ ધપાવી રહી છે.પોલીસે મૃતદેહને ફોરેનિ્સક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલમાં ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ, ફોરેન્સિક તપાસ અને એકત્રિત પુરાવાઓના આધારે જ કાજલબેનના મોતનું ચોક્કસ કારણ સામે આવશે. હાલ સમગ્ર ઘટનાને લઈને કોઠી ગામ સહિત આસપાસના વિસ્તારમાં ભારે ચર્ચા ચાલી રહી છે.પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ, કાજલબેન યોગેશભાઈ સાપરા (ઉંમર વર્ષ 20, રહે કોઠીગામ તાલુકો જસદણ) ગઈકાલે વહેલી સવારે ઘરની બાજુમાં આવેલી વાડીમાંથી કેળના ઝાડમાં ફાંસો ખાધેલી હાલતમાં તેનો મૃતદેહ મળ્યો હતો. સ્થળ ઉપર 108ના ઈએમટીએ તેમને મૃત જાહેર કર્યા હતા કાજલબેનના લગ્ન એક વર્ષ પહેલા થયા હતા. ઘરમાં ઘરકંકાશ, પતિ - પત્ની વચ્ચે ઝઘડો વગેરે ઘટનાઓ બનતી હતી કે કેમ તે અંગે પણ પોલીસે પૂછપરછ હાથ ધરી હતી.