રાજકોટમાં ૧૨ મા વિશ્વ યોગદિવસની જિલ્લાકક્ષાની ઉજવણી ગુજરાતમાં યોગ હવે જન આંદોલન બન્યું છે મંત્રી કુંવરજીભાઈ બાવળીયા
નિયમિત યોગથી જીવનમાં શ્રેષ્ઠતા આવે છેજિલ્લા ક્લેક્ટર ડૉ. ઓમ પ્રકાશ રેસકોર્સ ફૂટબોલ ગ્રાઉન્ડમાં યોગ ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
વિશ્વ યોગ દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી રાજકોટ ખાતે કરવામાં આવી હતી. રેસકોર્સના ફુટબોલ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહથી જોડાઈને યોગમય બન્યા હતા.
આ અવસરે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ સંબોધનમાં જણાવ્યું હતું કે, યોગ માત્ર એક વ્યાયામ, આસનોનો સમૂહ કે એક દિવસના કાર્યક્રમ પૂરતો સીમિત નથી. યોગ જીવનને યોગ્ય રીતે જીવવાની કળા છે. યોગ શરીર, મન અને આત્માને એકસૂત્રમાં જોડવાની પ્રક્રિયા છે. આજના તણાવપૂર્ણ અને અતિ વ્યસ્ત જીવનક્રમમાં માનસિક શાંતિ અને શારીરિક સુખાકારી માટે યોગ એક સર્વોત્તમ માધ્યમ છે.
તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીના પ્રયાસોથી વર્ષ ૨૦૧૪માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો, જેને વિશ્વના ૧૭૭ દેશોનું સમર્થન મળ્યું હતું. આજે યોગ વૈશ્વિક સ્તરે ભારતની અનોખી ઓળખ બની ચૂક્યો છે.
આ વર્ષનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશેષ છે, તેમ જણાવતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, વિશ્વ આજે ૧૨મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવી રહ્યું છે
વિશ્વમાં યોગના પ્રસારનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, વિશ્વના કરોડો લોકો આજે યોગના માધ્યમથી ભારતની પ્રાચીન જ્ઞાન પરંપરા સાથે જોડાઈ રહ્યા છે. યોગ ભારતનો સોફ્ટ પાવર અને માનવતા માટેની એક ભેટ છે. એક સમય એવો હતો જ્યારે યોગ ભારતના આશ્રમો અને ગુરુ-શિષ્ય પરંપરા અને સાધના કરનારાઓ સુધી મર્યાદિત હતો. પરંતુ આજે યોગ વિશ્વના ખૂણે ખૂણે પહોંચ્યો છે જ્યારે વ્યક્તિ નિયમિત યોગ કરે ત્યારે શરીરમાં સ્ફૂર્તિ આવે છે, પ્રાણાયામ મનમાં નવી ઊર્જા આપે છે, ધ્યાન વિચારોમાં સ્વસ્થતા લાવે છે અને આ ત્રણેય વ્યક્તિને વધુ સકારાત્મક અને સંતુલિત બનાવે છે.
આ તકે તેમણે યોગને દૈનિક જીવનમાં અપનાવવા અપીલ
કરી હતી. આ સાથે કહ્યું હતું કે, યોગ થકી દરરોજ થોડો સમય શરીર, મન અને આત્માના કલ્યાણ માટે સમર્પિત કરીશું, તો સ્વસ્થ પરિવાર, સ્વસ્થ સમાજ અને સ્વસ્થ ગુજરાતના નિર્માણમાં પોતાનો ફાળો આપીશું. કારણ કે સ્વસ્થ નાગરિક એ જ સમૃદ્ધ રાજ્યની સૌથી મોટી શક્તિ છે. સ્વસ્થ સમાજ એ જ વિકસિત રાષ્ટ્રનો મજબૂત પાયો છે.
ગુજરાતમાં યોગને જન-જન સુધી પહોંચાડી 'જન આંદોલન' બનાવવા માટે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ગુજરાત રાજ્ય યોગ બોર્ડને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પૂર્વે રાજકોટ જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશે સ્વાગત પ્રવચન કરતા કહ્યું હતું કે, એવું કહેવાયું છે કે, યોગ કર્મસુ કૌશલમ. એટલે કે યોગથી આપણા જીવનમાં શ્રેષ્ઠતા આવશે. જીવનમાં યોગથી ખૂબ સારા પરિવર્તન થાય છે ત્યારે તેમણે સૌને દૈનિક જીવનમાં યોગ અપનાવીને, પરિવાર, સમાજ અને દેશ માટે મૂલ્યવાન સંપત્તિ બનીને શ્રેષ્ઠ યોગદાન આપવા અપીલ કરી હતી. .
આજના કાર્યક્રમમાં જિલ્લાપંચાયત પ્રમુખ સંજયભાઈ પીપળીયા, ધારાસભ્ય ભાનુબહેન બાબરીયા, સામાજિક-રાજકીય અગ્રણીઓ, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, રૂડાના સી. ઈ.ઓ. જી.વી. મિયાણી, નિવાસી અધિક કલેક્ટર જે. એચ.બારોટ, વિવિધ અધિકારીઓ, કર્મચારીઓ, શૈક્ષણિક સંસ્થાના અગ્રણીઓ, છાત્રો, રમતવીરો તેમજ યોગપ્રેમી લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.