સમગ્ર દેશમાં વિચરતી વિમુક્ત જાતિ સમુદાય નું તા ૧ જુનથી જન જાગૃતિ અભિયાન યોજાશે બોર્ડના સભ્ય ભરતભાઈ પટ્ટણી
નાગરિકો સાથે મુક્ત મને સંવાદ સાધી પાકા આવાસ, શિક્ષણ, જાતિના દાખલા સહિતના મહત્વના મુદ્દાઓ પર ચિંતન શિબિરમાં ચર્ચા કરાઈ
ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના વિચરતી અને વિમુક્ત સમુદાયોના વિકાસ અને કલ્યાણ બોર્ડના સભ્ય ભરતભાઈ પટણીના અધ્યક્ષસ્થાને રાજકોટ ખાતે ચિંતન શિબિર યોજાઈ હતી. જેમાં તેમણે ઉપસ્થિત તમામ લોકો સાથે સંવાદ સાધી માર્ગદર્શિત કર્યા હતા.
આ શિબિરમાં ભરતભાઈ પટણીએ જણાવ્યું હતું કે, આપણે સૌએ સમાજના સુખે સુખી અને દુઃખે દુઃખી થવાનું છે. સંવેદના અને વિશ્વાસના આ સેતુ થકી સશક્ત સમાજનું નિર્માણ કરવાનો આ શિબિરનો ઉદ્દેશ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આગામી ૧ જુલાઈથી સમગ્ર દેશમાં વિચરતી વિમુક્ત જાતિ સમુદાય જાગૃતિ અભિયાન યોજાનાર છે. જેનો મુખ્ય હેતુ સમાજમાં વિચરતી અને વિમુક્ત જાતિના લોકોનું માન-સન્માન, સામાજિક સ્તર અને અધિકારો ઉતરોત્તર વધે તે દિશામાં નક્કર કામગીરી કરવાનો છે.
શિબિર દરમિયાન પટણીએ ઉપસ્થિત સમાજના ભાઈ-બહેનો સાથે સીધો સંવાદ યોજીને તેમના પાયાના પ્રશ્નો અને જરૂરિયાતો અંગે વિગતવાર ચર્ચા કરી હતી, જેમાં જાતિ આધારિત વસ્તી ગણતરી, મફત પ્લોટ આપવાની કામગીરી, શિક્ષણ, વિદેશ અભ્યાસ લોન સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ શિબિરમાં જિલ્લા પંચાયતના પ્રમુખ સંજયભાઈ પીપળીયા, સમાજ કલ્યાણ અધિકારી કિંજલબેન કાનગડ સહિત વિચરતી અને વિમુક્ત જાતિના સ્થાનિક અગ્રણીશ્રીઓ, સામાજિક કાર્યકરો સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.