error: This Content is protected !!

જસદણની આથમણી સીમમાં ભૂંડનો ત્રાસ, પાકને નુકસાન થી ત્રાહિમામ ખેડૂતોએ પ્રાંત કચેરીએ આવેદન પાઠવ્યું

જંગલી ભૂંડને ભગાડવા જતા હુમલા નો ખેડૂતોમાં ભય પાકને પારાવાર નુકસાન કરતા ભૂંડના ત્રાસથી મુક્તિ ન મળે તો આંદોલનની ચીમકી

 

 જસદણના આથમણી સીમના ખેડૂતો ભૂંડના ત્રણથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ભૂંડના ઝુંડ દ્વારા ઊભા પાક તેમજ નવા વાવેતરનો સંપૂર્ણ નાશ કરવામાં આવતો હોવાથી કંટાળેલા ખેડૂતોએ આજે એકઠા થઈને નાયબ કલેક્ટર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખને આ બાબતે લેખિત રજૂઆત કરી કાયમી નિરાકરણ લાવવા માંગ કરી હતી. ખેડૂતોએ આવેદનપત્રમાં પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, જ્યારે અમે અમારા ખેતરમાં હાજર હોઈએ અને ભૂંડના ઝુંડને ભગાડવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે તે ભગાડવા જનાર ખેડૂતો સામે ધસી આવે છે અને જીવલેણ હુમલો કરવાનો પ્રયત્ન કરે છે. આવા સમયે અમારે અમારો જીવ બચાવવા માટે ત્યાંથી ભાગવું પડે છે. ખેડૂતોએ વહીવટી તંત્રને ચીમકીભર્યા સૂરમાં જણાવ્યું હતું કે જો તાત્કાલિક ધોરણે આ ભૂંડના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે કોઈ કાયમી પગલાં લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ખેડૂતોને મોટું આંદોલન કરવાની ફરજ પડશે. વહીવટી તંત્રના ઇનવર્ડ ક્લાર્ક દ્વારા પણ આ અરજી સ્વીકારીને યોગ્ય કાર્યવાહીની ખાતરી આપવામાં આવી હતી.ખેડૂતોના જણાવ્યા મુજબ, જસદણ ગામના ચીતલીયા રોડ ખારીથી લઈને આટકોટ રોડ ખારી વિસ્તાર સુધી, તેમજ રૂડા ભગતની ફેક્ટરી પાછળ પાટી વિસ્તારથી આડી ભાદર કાંઠા સુધીના વાડી વિસ્તારોમાં ભૂંડના ટોળેટોળાં ફરે છે. આ આતંકને કારણે સ્થાનિક ખેડૂતો રાત-દિવસ ચિંતામાં જીવી રહ્યા છે. હાલ ચોમાસાની સીઝન શરૂ થઈ ગઈ હોવાથી મોટાભાગના ખેડૂતોએ પોતાના ખેતરોમાં મગફળીનું આગોતરું વાવેતર કરી દીધું છે. ગેરહાજરીનો લાભ ઉઠાવીને આ ભૂંડના ઝુંડ જમીનમાં ઊંડે સુધી ખોદકામ કરીને વાવેલા મોંઘા બીજ પણ ખાઈ જાય છે. જેના કારણે ખેડૂતોને ક્યારેય ન ભરાય તેવું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને ખેડૂતો-પરેશાન થઈ ગયા છે.