જસદણના રાણીંગપર, વેરાવળ અને ભાડલામા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં 'પ્રગતિનો પ્રવેશોત્સવમાં 260 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો
કુંવરજીભાઈ બાવળીયાએ શાળાના આંગણે પ્રથમ વાર પગ મૂકતા ભૂલકાંઓને શૈક્ષણિક કીટ આપીને ઉષ્માભેર આવકાર્યા હતા. આ સાથે જ, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (NRLM) દ્વારા તૈયાર કરાયેલી 'સ્ત્રી સશક્તિકરણ' વિષયક પુસ્તિકાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
નવા પ્રવેશેલા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી
રાણીંગપર ગામ ખાતે આંગણવાડીમાં ૧૭, બાલવાટિકામાં ૨૩ અને ધોરણ ૦૯માં ૨૦ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો. વેરાવળ- ભાડલા ગામ ખાતે આંગણવાડીમાં ૦૬, બાલવાટિકામાં ૧૫ વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવ્યો હતો. ભાડલા ગામ ખાતે આંગણવાડીમાં ૨૫, બાલવાટિકામાં ૫૦, ધોરણ ૦૧માં ૦૪, ધોરણ ૦૯માં ૯૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આમ, કુલ ૨૬૦ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો.
કાર્યક્રમ દરમિયાન ત્રણેય શાળામાં તમામ ધોરણમાં પ્રથમ ત્રણ ક્રમે ઉત્તીર્ણ થયેલા તેજસ્વી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ ઉપરાંત, ‘ખેલ મહાકુંભ’ તેમજ વિવિધ સ્પર્ધાઓ અને સરકારી શૈક્ષણિક યોજનાઓની પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. આ તકે શાળાના શિક્ષકોએ ઉપસ્થિત વાલીઓ અને ગ્રામજનોને સરકારની વિવિધ શૈક્ષણિક અને કલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી.