error: This Content is protected !!

રાજકોટ જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૮મીએ યોજાશે ૧૦ મે સુધીમાં અરજીઓ સ્વીકારાશે

મહેસૂલ અને અન્ય વિભાગોના પ્રશ્નો માટે કલેક્ટર કચેરી ખાતે સુનાવણી હાથ ધરાશે

 

  રાજકોટ જિલ્લાના નાગરિકોના પડતર પ્રશ્નો અને ફરિયાદોના ઉકેલ માટે આગામી ૨૮ મેના રોજ જિલ્લા કક્ષાના ‘ફરિયાદ નિવારણ કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત લોકોએ પોતાની રજૂઆતો અને અરજીઓ આગામી ૧૦ મે સુધીમાં સંબંધિત વિભાગોની કચેરીએ પહોંચતી કરવાની રહેશે. લોકોએ પોતાની ફરિયાદ માટે છેક ગાંધીનગર સુધી જવું ન પડે તે હેતુથી મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા કક્ષાએ આ કાર્યક્રમ યોજવામાં આવે છે. આ કાર્યક્રમમાં ફરિયાદ રજૂ કરવા માગતા અરજદારોએ પોતાની અરજીના મથાળે “જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ” લખવાનું રહેશે. ખાસ કરીને જે પ્રશ્નો લાંબા સમયથી પડતર હોય અને જેનો આખરી નિકાલ આવતો ન હોય તેવા જ પ્રશ્નો મોકલવા વિનંતી કરવામાં આવી છે. અગાઉ કરેલી રજૂઆતના આધાર અને તેની સામે મળેલી પ્રત્યુત્તરની નકલ પણ અરજી સાથે જોડવાની રહેશે.મહેસૂલી તંત્રને લગતા પ્રશ્નો માટે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ૧૦ મે સુધીમાં અરજી સ્વીકારવામાં આવશે. ત્યારબાદ આવેલી અરજીઓનો કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે નહીં. તા.૨૮ મેના રોજ સવારે ૧૦-૩૦ કલાકે કલેક્ટર કચેરીના ત્રીજા માળે સભાખંડમાં કલેક્ટરશ્રી અને સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહીને મહેસૂલ, જિલ્લા પંચાયત, પોલીસ વિભાગ, પી.જી.વી.સી.એલ., જી.એસ.આર.ટી.સી. અને પાણી પુરવઠા બોર્ડ જેવા વિભાગોના પ્રશ્નો સાંભળશે.કોર્ટ મેટર, આંતરિક તકરાર, નોકરીને લગતી બાબતો, પેન્શન, રહેમરાહે નોકરી જેવી અરજીઓ પર કોઈ કાર્યવાહી થઈ શકશે નહીં, તેમ યાદીમાં જણાવાયું છે.