error: This Content is protected !!

સોમનાથ મંદિર સંસ્કૃતિ, વાસ્તુશાસ્ત્ર અને શિલ્પ કલાનો અદભૂત સંગમ ચારેય યુગમાં નિર્માણનો ઉલ્લેખ થયેલું એકમાત્ર શિવ મંદિર

૧૫૫ ફૂટ ઊંચા નવનિર્મિત મંદિરની દિવ્યતામાં વધારો કરતા સોનેથી મઢાયેલા ઘુમ્મટ પરના ૧૫૦૦ કળશ

 

કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રિએ ચંદ્ર અને ગર્ભગૃહનું શિવલિંગ એક સીધી રેખામાં આવતા સર્જાય છે અલૌકિક દ્રશ્ય

 

ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે સોમનાથ વિરાસતના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસર પર ‘સોમનાથ અમૃત પર્વ’ ની ભવ્યાતિભવ્ય ઉજવણી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં થવા જઈ રહી છે આ મંદિરની ભવ્યતા અને દિવ્યતાની યશોગાથા વિશ્વભરમાં ખ્યાત છે. સોમનાથ જ્યોતિર્લિંગ પુરાતન સનાતન સંસ્કૃતિની આસ્થા અને શ્રદ્ધા સાથેનો ત્રિવેણી સંગમ છે. અનેક આક્રમણો વચ્ચે પણ અક્ષુણ્ણ રહેલા સોમનાથ મંદિર નિર્માણમાં વાસ્તુકલા અને શિલ્પ કલાનું અદભુત તાદમ્ય પણ અદભૂત છે.વાસ્તુશાસ્ત્રની નાગર શૈલીમાં નિર્મિત આ મંદિર 'કૈલાસ મહામેરૂ પ્રાસાદ' તરીકે ઓળખાય છે. મંદિરની લાક્ષણિકતા જોઈએ તો, અરબી સમુદ્રના કિનારે નિર્મિત મંદિરની કુલ ઊંચાઈ ૧૫૫ ફૂટ છે, જેના પર ૩૭ ફૂટનો ધ્વજદંડ અને ૧૦૪ ફૂટનો વિશાળ ધ્વજ લહેરાય છે.બેનમૂન કલાગીરી સાથે નિર્મિત મંદિરના ગર્ભગૃહના શિખર પર ૧૦ ટન વજનનો પથ્થરનો કળશ છે, જ્યારે સભા અને નૃત્ય મંડપના ઘુમ્મટ પર ૧,૫૦૦ નાના કળશ કંડારાયા છે. આ કળશને સોનેથી મઢવામાં આવ્યા છે. જે દિવસે સૂર્યના કિરણોથી તેમજ રાત્રે ચાંદીના પ્રકાશમાં મંદિરની ભવ્યતામાં ચાર ચાંદ લગાવે છે.

વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો, કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રિએ આકાશનો ચંદ્ર અને મંદિર પર લહેરાતી ધ્વજા એક સીધી રેખામાં આવે છે, જે એક અલૌકિક દ્રશ્ય સર્જે છે સાગર તટે નિર્મિત મંદિરની દક્ષિણ ભાગમાં આવેલ 'બાણસ્તંભ' તે જમાનામાં ભારતીય ખગોળવિદ્યાના દર્શન કરાવે છે. તે જમાનાનામાં ટાંચા સાધનો વચ્ચે પણ આજના સેટેલાઈટ યુગ જેટલું અદભૂત જ્ઞાન આપણા પુરાતન વારસાના વૈભવ અને અદભુત જ્ઞાન વારસાના દર્શન કરાવે છે.આ એ જગ્યા છે, જ્યાંથી સમુદ્ર પર સીધી રેખા દોરવામાં આવે તો આ માર્ગ પણ ક્યાંય પણ જમીનનો એક પણ ટૂકડો આવતો નથી. તેનો મતલબ એ છે કે, આ માર્ગ પર માત્ર સમુદ્ર અને સમુદ્રની નહેરો જ છે. 

સોમનાથ પર સને ૧૦૨૬માં મહમદ ગઝનીથી લઈને ૧૭૦૧માં ઔરંગઝેબ સુધીના અનેક આક્રાન્તાઓ અનેકવાર આ મંદિરની ભવ્યતા અને જાહોજલાલીને લૂંટવા માટે પ્રયત્નો કર્યા, પરંતુ દરેક વખતે હિન્દુ ધર્મપ્રેમીઓએ પોતાની આસ્થા અને શ્રદ્ધાના દર્શન કરાવતા તેનો જીર્ણોદ્ધાર કર્યો. ભાવ બૃહસ્પતિની 'સોમનાથ પ્રશસ્તિ' મુજબ, આ મંદિર સતયુગમાં સોમ (ચંદ્ર) દ્વારા, ત્રેતામાં રાવણ દ્વારા, દ્વાપરમાં શ્રીકૃષ્ણ દ્વારા અને કળિયુગમાં ભીમદેવ સોલંકી દ્વારા નિર્મિત થયું હોવાનું મનાય છે.નરેન્દ્ર ભાઈ મોદીએ ગત ૧૧ જાન્યુઆરી,૨૦૨૬ના રોજ આક્રમણના ૧૦૦૦ વર્ષ પૂર્ણ થવા પર 'સોમનાથ સ્વાભિમાન પર્વ'ની કરેલી ઉજવણી આ મંદિરની શ્રદ્ધાને વધુ મજબૂત બનાવવા સાથે ધર્મધજાને વધુ ઉન્નત બનાવવા માટે નિમિત્ત બની રહી છે