error: This Content is protected !!

આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ વોટ્સન મ્યુઝિયમ ખાતે વલ્લભીપુર ઉત્ખનનમાં મળૅલ પ્રાચીન વસ્તુઓ અને મહત્વપૂર્ણ શોધનું ફોટો પ્રદર્શન

અંધજનો માટે બ્રેઇલ લિપિમાં માહિતી આપતું સૂર્ય ભગવાનની મૂર્તિનું ૩-ડી ટેક્ટાઈલ મોડેલ નિહાળી શકાશે

 

 આજે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ નિમિત્તે રાજકોટના વોટ્સન મ્યુઝિયમ ખાતે ભારતના સમૃદ્ધ ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાની અનુભૂતિ કરાવતું વલ્લભીપુર ઉત્ખનનમાંથી મળી આવેલા પ્રાચીન વસ્તુઓ અને મહત્વપૂર્ણ શોધો પ્રદર્શિત કરતું એક વિશેષ ફોટો પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું છે.

આ ફોટો પ્રદર્શન અંગે પુરાતત્વ વિભાગના અધ્યક્ષ અને મ્યુઝિયમના ઇન્ચાર્જ ક્યુરેટર ડો. સિધ્ધા શાહે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ ૨૦૨૬ની ઉજવણી નિમિત્તે, વલ્લભીપુર ઉત્ખનનમાંથી મળી આવેલા તાંબાના સિક્કા, સીલ (મહોર), શંખની બંગડીઓ સહિતની પ્રાચીન વસ્તુઓ અને મહત્વપૂર્ણ શોધો પ્રદર્શિત કરતું એક વિશેષ ફોટો પ્રદર્શન યોજવામાં આવ્યું છે. જેમાં પૌરાણિક સમયમાં નગર રચના અને બાંધકામની વિશેષતા નિહાળી શકશે. મુલાકાતીઓને આ પ્રદર્શન અંગે માહિતી આપવા માટે ખાસ સંશોધક ટીમ પણ ઉપલબ્ધ રહેશે. આજરોજ આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ નિમિત્તે ડિપાર્ટમેન્ટ ઓફ મ્યુઝિયોલોજીના સહાયક પ્રોફેસર શ્રી અન્વીકા કામથ એ ખાસ કરીને અંધજન લોકો સંગ્રહિત વસ્તુની અનુભૂતિ અને માહિતી મેળવી શકે તે માટે એક ખાસ પ્રોટોટાઇપ ટેક્ટાઈલ બનાવ્યું છે. સંગ્રહાલય ખાતે રહેલી સૂર્ય ભગવાનની પૌરાણિક મૂર્તિનું ફોર્મ બોર્ડમાંથી તૈયાર કરેલું ૩-ડી પ્રોટોટાઇપ ટેક્ટાઈલ પ્રદર્શન અર્થે રાખવામાં આવ્યું છે. તેમણે આ અંગે વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે, નબળી દ્રષ્ટિ ધરાવતા કે પ્રજ્ઞાચક્ષુ લોકો મૂર્તિની કલા-કારીગીરી જાણી શકે તે માટે આ ટેક્ટાઈલ પ્રોટોટાઇપ રિસર્ચ કરીને બનાવ્યું છે. જેમાં જુદા જુદા લેયર્સ હોય છે. અંધજન તેમને ટચ કરીને તેની ભવ્યતા અનુભવી શકે છે. વધુમાં આ મૂર્તિની સંપૂર્ણ માહિતી અર્થે બ્રેઇલ લિપિમાં તેનું વિવરણ પણ તૈયાર કરવામાં આવ્યું છે, સાથોસાથ ક્યુઆર કોડ તૈયાર કરવામાં આવ્યા છે. જે સ્કેન કરવાથી ઓડિયો વિઝ્યુઅલ ફોર્મેટમાં સંગ્રહિત વસ્તુની હિસ્ટ્રી પણ જાણી શકાય છે. 

આ તકે સંગ્રહાલયની મુલાકાતે આવેલા શ્રી પ્રેરણાબાએ જણાવ્યું હતું કે, અહીં સંગ્રહિત ભવ્ય વારસાને નજીકથી જોવા અને જાણવાની મજા આવે છે. હું અને દસમાં ધોરણમાં અભ્યાસ કરતો મારો પુત્ર પ્રદર્શન નિહાળવા આવ્યા છીએ. ખાસ કરીને દરેક વિદ્યાર્થીઓએ મ્યુઝિયમની મુલાકાત લેવી જોઈએ. જેથી તેઓ આપણા ભવ્ય ઇતિહાસ અને સંસ્કૃતિને સમજી શકે.  

ક્યુરેટર શ્રી સિધ્ધા શાહે ખાસ કરીને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભારતની ઐતિહાસિક ધરોહરને ઉજાગર કરવા માટે પ્રાચીન સ્થળોના ઉત્ખનન માટે કરવામાં આવતી કામગીરીની સરાહના કરી હતી. વિશેષમાં પુરાતત્વ અને સંગ્રહાલયના શ્રી ડો. પંકજ શર્મા, ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્સના ડીન ડો. અંબિકા પટેલનો ખાસ આભાર માન્યો હતો.