error: This Content is protected !!

જસદણ-વિંછીયા ખાતે લેન્ડ કમિટી અને રોગી કલ્યાણ સમિતિની બેઠકમાં જમીન ફાળવણી ગામતળની ભુમી વિકાસ અંગે ચર્ચા થઈ

પ્રજાકીય પ્રશ્નોનું ઝડપી નિરાકરણ અને ઉત્તમ આરોગ્ય સેવાઓ પૂરી પાડવી એ સરકારની પ્રાથમિકતા છે મંત્રી કુંવરજીભાઈ બાવળિયા

 

 જસદણ-વિંછીયા બંને તાલુકાની લેન્ડ કમિટી તથા રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ હતી. લેન્ડ કમિટીની બેઠક દરમિયાન જમીન સંબંધિત ગામતળ નિમ કરવાની અરજીઓ, સરકારી જમીનોના ઉપયોગ, વિકાસલક્ષી પ્રકલ્પો માટે જરૂરી જમીન ફાળવણી, જાહેર હિતના કાર્યોમાં આવતી સમસ્યાઓ તેમજ તાલુકાના સર્વાંગી વિકાસને લગતા વિવિધ મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર લોકોની સુખાકારી અને વિકાસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કામો ઝડપથી અને પારદર્શક રીતે પૂર્ણ થાય તેમજ સામાન્ય નાગરિકોને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ મળે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. તેમણે અધિકારીઓને પ્રજાલક્ષી અભિગમ અપનાવી લોકોની સમસ્યાના સમયબદ્ધ અને અસરકારક નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી.વધુમાં જણાવ્યું હતું કે, આરોગ્ય ક્ષેત્રે ગુણવત્તાસભર સેવાઓ ઉપલબ્ધ કરાવવા સરકાર સતત કાર્યરત છે, સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં આવનાર દરેક દર્દીને સન્માનજનક અને સુવિધાસભર સારવાર મળી રહે તે માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવશે. 

સરકારી આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ અને લોકો સુધી અસરકારક રીતે પહોંચાડવા માટે રોગી કલ્યાણ સમિતિ અંતર્ગત સાંણથલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, જસદણ સરકારી હોસ્પિટલ અને વિંછીયા સરકારી હોસ્પિટલ અને વિવિધ આરોગ્ય કેન્દ્રોની કામગીરી, દર્દીઓને મળતી સુવિધાઓ, દવાઓની ઉપલબ્ધતા, સ્વચ્છતા બાબતની વ્યવસ્થા અને આરોગ્ય સેવાઓના ઝડપી અને ગુણવત્તાયુક્ત અમલીકરણ અંગે પણ આ બેઠકમાં વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.બેઠકના અંતે અધિકારીઓએ પોતાના વિભાગની કામગીરી અને પ્રગતિ અંગે માહિતી આપી હતી આ બેઠકમાં પ્રાંત અધિકારી જસદણ રાહુલ ખાંભરા, મામલતદાર મેહુલ બલિયા, જસદણ તાલુકા વિકાસ અધિકારી હિતેષ વાઘેલા, વિંછીયા તાલુકા વિકાસ અધિકારી બી. જે. દવે સહિત અન્ય વિભાગોના અધિકારીઓ, જનપ્રતિનિધિઓ તથા સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.