રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા ૫ નવી વોલ્વો બસનું ફ્લેગ ઓફ ૨ બસ રાજકોટ–બરોડા અને ૩ વોલ્વો રાજકોટ–ભુજ રૂટ પર દોડશે
રાજકોટ-અમદાવાદ દર કલાકે, રાજકોટ-બરોડા દર દોઢ કલાકે અને રાજકોટ-ભુજ રૂટ પર પિક અવર્સ દરમિયાન દર કલાકે વોલ્વો સેવા ઉપલબ્ધ બનશે
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરને આરામદાયક, સુરક્ષિત અને ઉચ્ચ કક્ષાની આધુનિક પરિવહન સેવા ઉપલબ્ધ કરાવવા માટે પ્રીમિયમ વોલ્વો અને એ.સી. બસ સેવાના રૂટ તબક્કાવાર વધારવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે રાજકોટ એસ.ટી. વિભાગને વધુ ૦૫ નવીન વોલ્વો બસ ફાળવવામાં આવી છે, જેમાંથી ૦૨ વાહન રાજકોટ – બરોડા રૂટ પર અને ૦૩ વાહન રાજકોટ – ભુજ રૂટ પર દોડાવવામાં આવશે. આ નવીન વોલ્વો બસનો 'ફ્લેગ ઓફ' કાર્યક્રમ આજૅ તારીખ ૦૯ જૂન ૨૦૨૬, મંગળવારના રોજ સવારે ૧૧ કલાકે એસ.ટી. બસપોર્ટ, ઢેબર રોડ, રાજકોટ ખાતે યૉજાયૅ. રાજકોટ મહાનગરપાલિકાના મેયર નેહલભાઈ શુકલના હસ્તે આ બસોનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું નવીન વોલ્વો બસ રૂટનું સમયપત્રક અને ભાડું આ નવી શરૂ થનારી બસ પૈકી રાજકોટ-બરોડા રૂટ પર દરરોજ બે બસ દોડશે, જેમાં પ્રથમ બસ રાજકોટથી સવારે ૦૮ કલાકે ઉપડી બપોરે ૦૨ કલાકે બરોડા પહોંચશે અને બીજી બસ રાજકોટથી સવારે ૧૧ કલાકે ઉપડી સાંજે ૦૫ કલાકે બરોડા પહોંચશે, જેનું ભાડું રૂપિયા ૮૦૩/- નિયત કરવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ-ભુજ રૂટ પર દરરોજ ત્રણ બસનું સંચાલન કરાશે, જેમાં પ્રથમ બસ રાજકોટથી સવારે ૦૬:૧૫ કલાકે ઉપડી ૧૧:૪૫ કલાકે, બીજી બસ સવારે ૧૧:૩૦ કલાકે ઉપડી સાંજે ૦૫ કલાકે અને ત્રીજી બસ સાંજે ૦૪ કલાકે ઉપડી રાત્રે ૦૯:૩૦ કલાકે ભુજ પહોંચશે, જે તમામ બસનું ભાડું રૂપિયા ૭૧૫ રાખવામાં આવ્યું છે. આગામી આયોજન અને વર્તમાન સુવિધાઓ એસ.ટી. નિગમ દ્વારા આગામી ટૂંક સમયમાં રાજકોટ વિભાગને વધુ ૦૬ નવી એસી બસો ફાળવવામાં આવનાર છે, જે સ્ટેચ્યુ ઓફ યુનિટી, મોરબી-જામનગર અને દાહોદ રૂટ પર શરૂ કરાશે. નોંધનીય છે કે, હાલ રાજકોટ વિભાગ દ્વારા અમદાવાદ, વડોદરા, ભુજ, ગાંધીનગર અને નાથદ્વારા રૂટ પર ૧૭ વોલ્વો બસ સફળતાપૂર્વક ચલાવવામાં આવી રહી છે. આ ઉપરાંત, ૨૦ એ.સી. લક્ઝરી બસ ભાવનગર, ઉના, દીવ, જામનગર, સુરેન્દ્રનગર, દ્વારકા, અમરેલી, મહુવા, ભુજ, મુન્દ્રા તેમજ જૂનાગઢ રૂટ પર અને ૨૦ એ.સી. ઇલેક્ટ્રિક બસ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ, મોરબી, જૂનાગઢ અને જામનગર જેવા વિવિધ રૂટો પર કાર્યરત છે. ઉલ્લેખનીય છે કે, જનતાની માંગણીને માન આપીને ગત અઠવાડિયે જ રાજકોટ વિભાગને ૦૨ નવી વોલ્વો બસ ફાળવવામાં આવી હતી, જે હાલ રાજકોટ-બરોડા રૂટ પર કાર્યરત છે.