પીપરડીના સ્વામિનારાયણ મંદિરની દાનનપૅટી તૉડી ચૉરી કરનાર ગામનો જ સુરૅશ પરમાર નીકળ્યો વિંછીયા પોલીસે ચોરીનો ભેદ ઉકેલાયો
વિંછીયા તાલુકાના પીપરડી ગામે આવેલા સ્વામિનારાયણ મંદિરમાં થયેલી ચોરીની ઘટનાનો વિંછીયા પોલીસે ભેદ ઉકેલી 1 આરોપીને ઝડપી લીધો હતો, મળતી માહિતી મુજબ, શનિવારે બપોરના સમયે પીપરડી ગામના સ્વામિનારાયણ મંદિરમાં રાખવામાં આવેલી બે દાનપેટીના તાળા તોડીને અંદર રહેલી રોકડ રકમની ચોરી થઈ હતી. આ ચોરીની સમગ્ર ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ બનાવ અંગે મંદિરના મહંતે વિંછીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, ફરિયાદના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર ડામોરના માર્ગદર્શન હેઠળ વિંછીયા પોલીસની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. સીસીટીવી ફૂટેજની બારીકાઈથી તપાસ દરમિયાન ચોરી કરનાર શખ્સ પીપરડી ગામનો જ હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ગામના જ સુરેશ વાલજી પરમાર નામના આરોપીની ધરપકડ કરી લીધી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપીએ મંદિરની બે દાનપેટીના તાળા તોડીને રૂપિયા 7500ની રોકડ રકમની ચોરી કરી હતી. વિંછીયા પોલીસે આરોપીને ઝડપી પાડી તેની પાસેથી ચોરીના મુદ્દામાલ અંગે તેમજ અન્ય ગુનાઓમાં સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ પૂછપરછ અને કાયદેસરની તપાસ હાથ ધરી હતી.