પ્રગતિ પથયાત્રા અંતર્ગત મંત્રી કુંવરજીભાઈ બાવળીયા એ સુપ્રસિદ્ધ યાત્રાધામ ઘેલા સોમનાથ મંદિરની મુલાકાત લીધી
પૂજા-આરતી કરીને નૂતન ધ્વજાનું આરોહણ કરાવ્યું ગૌશાળાની વ્યવસ્થા અને ગાયોની સારસંભાળનું નિરીક્ષણ કર્યુ
હાલમાં દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જનકલ્યાણને સમર્પિત કાર્યકાળના ૧૨ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થવાની ઉજવણી થઈ રહી છે. જેના ભાગરૂપે 'પ્રગતિ પથયાત્રા' કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ વિંછીયા તાલુકાના સોમપીપળીયા ગામ ખાતે આવેલા સુપ્રસિદ્ધ તીર્થધામ ઘેલા સોમનાથ મંદિરની મુલાકાત લીધી હતી. મંત્રી કુંવરજીભાઈ ઍ સૌ પ્રથમ ઘેલા સોમનાથ મહાદેવજીની વિધિવત પૂજા-આરતી કરી હતી અને ઢોલના નાદ સાથે મંદિરની પ્રદક્ષિણા કરીને શિખર પર નૂતન ધ્વજાનું આરોહણ કરાવ્યું હતું. આ ધાર્મિક વિધિ પૂર્ણ થયા બાદ મંદિર પરિસરની બાજુમાં આવેલી ગૌશાળાની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે ગૌશાળાની વ્યવસ્થા અને ગાયોની સારસંભાળનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન ગૌવંશની જાળવણી તેમજ ગૌશાળાના સંચાલન અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત, ઘેલા સોમનાથ મંદિર ખાતે મંત્રી કુંવરજીભાઈ ના અધ્યક્ષસ્થાને જાહેર સભા યોજાઈ હતી. જેમાં તેમણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપીને જનતાને આ યોજનાઓનો મહત્તમ લાભ લેવા આહ્વાન કર્યું હતું.
આ તકે પ્રાંત અધિકારી આર. આર. ખાંભરા, જસદણ-વિંછીયાના મામલતદાર મહેશભાઈ બલીયા, જસદણના તાલુકા વિકાસ અધિકારી એચ. આર. વાઘેલા તેમજ વિંછીયાના તાલુકા વિકાસ અધિકારી બી. જે. દવે, વહીવટદાર હિરેનભાઈ મકાણી, જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ તાલુકા ભાજપ પ્રમુખ ચંકીતભાઈ રામાણી નગરપાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ છાયાણી પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ વેકરીયા સહિત અધિકારીઓ, આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.