error: This Content is protected !!

જસદણના કમળાપુરમા રૂ. ૭૮ લાખના ખર્ચે નિર્માણ પામેલા ડૉ. આર.ડી. ગાર્ડી હાઈસ્કૂલના ભવનનું મંત્રી કુંવરજીભાઇના હસ્તે લોકાર્પણ

નવી શિક્ષણ નીતિથી ડિજિટલ શિક્ષણ સુધીના નિર્ણયો વિદ્યાર્થીઓને આધુનિક યુગના અનુરૂપ શિક્ષણ મળૅ તે માટે સરકાર કાર્યરત 

 

જસદણ તાલુકાના કમળાપુર ખાતે મહત્વપૂર્ણ વિકાસલક્ષી કાર્યક્રમ યોજાયો હતો. જેટકો (GETCO)ની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) પહેલ અંતર્ગત અંદાજિત રૂ. ૭૮ લાખના ખર્ચે નિર્માણ પામેલા ડૉ. આર.ડી. ગાર્ડી હાઈસ્કૂલના નવીન શાળા ભવનનું લોકાર્પણ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કુંવરજીભાઈ એ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા ૧૨ વર્ષ દરમિયાન દેશમાં શિક્ષણ, આરોગ્ય, માળખાગત સુવિધાઓ અને સામાજિક વિકાસના ક્ષેત્રોમાં અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું છે. શિક્ષણ એ કોઈપણ સમાજના વિકાસનો પાયો છે અને ગુણવત્તાયુક્ત શૈક્ષણિક સુવિધાઓ દ્વારા જ આવનારી પેઢીને ઉજ્જવળ ભવિષ્ય આપી શકાય છે.

તેમણે ઉમેર્યું હતું કે, આજે ગ્રામ્ય વિસ્તારોમાં પણ શહેરોની સમકક્ષ શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. નવી શિક્ષણ નીતિથી લઈને ડિજિટલ શિક્ષણ સુધીના અનેક નિર્ણયો દ્વારા વિદ્યાર્થીઓને આધુનિક યુગની જરૂરિયાતોને અનુરૂપ શિક્ષણ મળી રહે તે માટે સરકાર સતત કાર્યરત છે. કમળાપુર ખાતે નિર્માણ પામેલું આ નવીન શાળા ભવન વિદ્યાર્થીઓને વધુ સારું શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડશે અને તેમના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

 જેટકો દ્વારા CSR હેઠળ કરવામાં આવેલા આ લોકોપયોગી કાર્યની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, સરકાર અને વિવિધ સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોથી શિક્ષણ ક્ષેત્રે નવા અવસરોનું સર્જન થઈ રહ્યું છે. સમાજના વિકાસમાં ખાનગી અને જાહેર ક્ષેત્રની ભાગીદારી પણ એટલી જ મહત્વપૂર્ણ છે.

તેમણે વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા, માતા-પિતાના સપનાઓ સાકાર કરવા અને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપવા પ્રેરણા આપી હતી.કાર્યક્રમ દરમિયાન સ્થાનિક આગેવાનો, શાળાના ટ્રસ્ટીઓ, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, વાલીઓ તથા વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.