કોટડા સાંગાણી પંથકમાં 17 વર્ષીય સગીરાની પ્રેમ સંબંધની જાણ થતા પિતાએ માર મારતા પુત્રીએ ફિનાઈલ પીધું
ગોંડલના રીબડા ગામના યુવક સાથે સગીરાને ઈન્સ્ટાગ્રામ મારફતે આંખ મળી જતા પ્રેમ પાંગર્યો‘તો પોલીસે તપાસ હાથ ધરી
કોટડા સાંગાણી પંથકમાં રહેતી સગીરાને ઈન્સ્ટાગ્રામ મારફતે રીબડાના યુવક સાથે પ્રેમ પાંગર્યો હતો. જે પ્રેમ સંબંધની પિતાને જાણ થતાં પુત્રીને ઠપકો આપી માર માર્યો હતો. જેથી સગીરાને માઠુ લાગી આવતાં ફિનાઈલ પી લીધું હતું. સગીરાની તબિયત લથડતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, કોટડાસાંગાણી પંથકમાં રહેતી ૧૭વર્ષની સગીરા બપોરના બે વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી ત્યારે ફિનાઈલ પી લીધું હતું. સગીરાને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે કોટડાસાંગાણી પોલીસને જાણ કરતાં કોટડાસાંગાણી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પ્રાથમિક પુછપરછમાં ફિનાઈલ પી લેનાર સગીરાને ગોંડલના રીબડા ગામના યુવક સાથે ઈન્સ્ટાગ્રામ મારફત આંખ મળી જતાં બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. જે પ્રેમ સંબંધની જાણ થતાં પિતાએ ઠપકો આપી માર માર્યો હતો. જેથી સગીરાને માઠુ લાગી આવતાં ફિનાઈલ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે કોટડાસાંગાણી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.