જસદણના પાંચવડામા સૂટકેસમા મળેલ માનવ કંકાલના રહસ્યો ઉકેલવા રાજકોટ એઈમ્સમાં અવશેષોની ફોરેન્સિક તપાસ કરાશે
આટકોટ પોલીસે હત્યાનું રહસ્ય ઉકેલવા ગુમસુદા યુવકોના ડેટા અંગે તપાસ શરૂ કરી છ દિવસ પહેલા બંધ સુટકેસ માંથી હાડપિંજર મળ્યું હતું
જસદણના આટકૉટ નજીકના પાંચવડા ગામે ગત તા. ૨૨મીએ નદીના કાંઠેથી એક બિનવારસી બંધ સૂટકેસમાંથી અત્યંત કોહવાયેલી અને માનવ કંકાલ બની ચૂકેલી લાશ મળી આવ્યાની ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ આ કોઈ નિર્દયી હત્યાનો મામલો હોવાની અને પુરાવાનો નાશ કરવાના ઈરાદે
લાશને સૂટકેસમાં પેક કરી ફેંકી દેવાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે એક-બે દિવસમાં રાજકોટ એઈમ્સના ફોરેન્સિક વિભાગ તરફથી વિશેષ એક્ઝામિનેશન સાથે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આપવામાં આવશે, જે રહસ્યમય બનાવની તપાસમાં મહત્ત્વપૂર્ણ સાબિત થવાની પોલીસે આશા વ્યક્ત કરી છે આટકોટનાં તપાસનીશ મહિલા પીઆઈ રાઠોડે જણાવ્યું કે, ગત તા. ૨૨મીએ શંકાસ્પદ સુટકેશની જાણ થતાં ત્વરિત પહોંચીને તપાસ કરતા અતિ કોહવાઈ ગયેલી હાલતમાં માનવ કંકાલ નીકળ્યું હતું. કપડાંમાં માત્ર પેન્ટનો નેફો અને બેલ્ટ હતા. મૃતકની ઓળખ સ્થાપિત કરવી પોલીસ માટે સૌથી મોટો પડકાર હતો. જેથી ખાસ કિસ્સામાં માનવ કંકાલના અવશેષો ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ
એઈમ્સના ફોરેન્સિક વિભાગમાં મોકલી આપ્યાછે. ત્યાંથી એક-બેદિવસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી જશે. મૃતક ૨૦-૩૦ વર્ષનો યુવાન હોવાનું પ્રાથમિક તારણ નીકળ્યું છે, આમ છતાં ફોરેન્સિક ચકાસણીમાં એ માનવ કંકાલ સ્ત્રી છે કે પુરુષ, તેની ચોક્કસ ઉંમર, મૃત્યુનો સમય, શરીર પર થયેલી ઈજાઓ અને મૃત્યુનું અસલી કારણ વગેરેનો સાચો અંદાજ આવી જશે. એઈમ્સમાં ફોરેન્સિક
એક્ઝામિનેશન પણ કરવામાં આવશે. જેમાં ઓળખ માટે ડીએનએ પ્રોફાઇલિંગ અને સુટકેશ, કપડા, બેલ્ટની પણ ફોરેન્સિક ચકાસણી કરવામાં આવશે. જેના આધારે કોઈ નક્કર કડી મળવાની, આશા છે. હાલ તો રાજ્યમાં ૨૦થી ૩૦ વર્ષની વયના યુવાનો ગુમ થયા હોય એ દિશામાં તપાસ ચાલુ છે. સ્થાનિક લોકોએ કોઈ શંકાસ્પદ વ્યકિત કે હિલચાલ જોઈ હોય તો એ દિશામાં પણ નિવેદનો-પુછતાછ ચાલુ છે.. બાતમીદારો અને ટેકનીકલ સર્વેલન્સની પણ મદદ લેવામાં આવી રહી છે