આજી-૧ ડેમના જમીન સંપાદનને કારણે અસરગ્રસ્ત ૮૭ ખેડૂતોને રાજ્ય સરકાર અને વહીવટી તંત્રની પહેલથી મળ્યા ટાઈટલ હક્ક
ખેડૂતોએ પોતાનો વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું હળ આપી વિશેષ સન્માન કરીને આભારની લાગણી વ્યક્ત કરી
રાજકોટમાં આજી-૧ ડેમના નિર્માણ વખતે જમીન સંપાદન થયા બાદ, ખેડૂતોને પરત આપવામાં આવેલી જમીનના સર્વે નંબર ફરી જતા અનેક પ્રશ્નો થતા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્રની પહેલ અને સક્રિયતાથી થોરાળાના ૮૭ ખેડૂતોનો વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાયો છૅ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતેના કાર્યક્રમમાં ખેડૂતોએ પોતાનો વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને હળ આપીને વિશેષ સન્માન કર્યું હતું. મુખ્યમંત્રીએ આ હળને ખભે મૂકીને ખેડૂતોની લાગણી સ્વીકારી હતી. આ તકે ખેડૂત પ્રતિનિધિ ગણેશભાઈ રંગાણી મુળજીભાઈ કણબી પ્રફુલભાઈ સંઘાણીએ સૌ ખેડૂતોવતી મુખ્યમંત્રીનો વિશેષ આભાર માન્યો હતો.
આ તકે ખેડૂત ગણેશભાઈ રંગાણીએ જણાવ્યું હતું કે, આજી ડેમ જ્યારે બન્યો ત્યારે રાજકોટની જીવાદોરી સમાન આ પ્રોજેક્ટ માટે ખેડૂતોએ જમીનો આપી હતી. કોઈ કારણસર સંપાદિત જમીન ખેડૂતો માટે રીગ્રાન્ટ થઈ હતી. જો કે જમીનનો સર્વે નંબર ન હોવાથી અનેક પ્રશ્નો થતા હતા. છેવટે જન પ્રતિનિધિઓ મારફત આ પ્રશ્ન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ રજૂ કર્યો હતો.
મુખ્યમંત્રીએ પરિસ્થિતિ સમજીને તરત જ આ નિર્ણય લેવડાવ્યો, જેના પરિણામે જાહેરનામું બહાર પડ્યું અને સત્તાવાર હુકમ જાહેર થયો. સરકારી હુકમ થયા બાદ રાજકોટ સ્થાનિક કક્ષાએ પ્રમોલગેશન અને મહેસૂલી પ્રક્રિયાઓ ઝડપથી પૂર્ણ કરવામાં આવી. આ પ્રક્રિયામાં રાજકોટના કલેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશ, પૂર્વ મામલતદારશ્રી સહિત સમગ્ર ટીમનો અદ્ભુત સહયોગ સાંપડ્યો. જેથી, વર્ષો જૂનો આ જટિલ પ્રશ્ન ઉકેલાયો અને થોરાળા ગામના ખેડૂતોની આશરે ૩૦૦ એકર જમીન મુક્ત થતા હવૅ
ખેડૂતોને મહેસૂલી હક્કો સાથે કિસાન ક્રેડિટ કાર્ડ, પાક ધિરાણ, કૃષિ સહાય, સિંચાઈ સહાય અને સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ મળશે.