error: This Content is protected !!

જસદણના આટકૉટ જંગવડ વચ્ચે તાજ હૉટેલ પાસે હિટ એન્ડ રનમાં પરપ્રાંતીય યુવકનું ઘટના સ્થળે મોત

અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જીને નાસી છૂટતા સીસીટીવી કુટેજ ના આધારે આટકોટ પોલીસે તપાસ હાથ ધરી

 

જસદણ તાલુકાના જંગવડ અને આટકોટ વચ્ચે આવેલી તાજ હોટલ નજીક મોડી રાત્રે અરેરાટીભર્યો હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો હતો. રસ્તા પરથી પસાર થઈ રહેલા એક પરપ્રાંતીય યુવકને અજાણ્યા વાહનચાલકે જોરદાર અડફેટે લેતાં યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જીને ચાલક પોતાનું વાહન લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.બનાવની વધુ જાણવા મળતી પ્રાથમિક વિગતો મુજબ, જંગવડ-આટકોટ હાઈવે પરથી પસાર થઈ રહેલા પરપ્રાંતીય યુવકને પુરપાટ ઝડપે આવતા એક અજાણ્યા વાહને ઠોકર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે યુવકને ગંભીર ઈજાઓ પહોંચતાં તેણે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા અને વાંહનવ્યવહાર પર ક્ષણિક અસર પડી હતી.

બનાવની જાણ થતાં જ આટકોટ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને કબ્જે લઈ પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. બાદમાં આટકોટ પોલીસે મૃતક યુવકની ઓળખ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા, સાથે જ અકસ્માત સર્જીને નાસી છૂટેલા અજાણ્યા વાહનચાલકને ઝડપી પાડવા સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક પૂછપરછના આધારે વધુ તપાસ ચલાવી હતી.