જસદણ વિંછીયા સહીત રાજકોટ જિલ્લાના ૪૪૦૦થી વધુ વડીલોને ‘વયોશ્રી યોજના’ હેઠળ ₹૪.૬૬ કરોડના જીવન સહાયક સાધનો અપાયા
આજૅ વિશ્વ સિનિયર સિટીઝન ડે વડીલો પોતાની યુવાની પરિવારનાં ભવિષ્ય ઘડતરમાં અને રાષ્ટ્ર નિર્માણમાં ખર્ચતા હોય છે. વૃદ્ધાવસ્થાનાં પડાવમાં દરકાર જરૂરી
ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય તેમજ રાજકોટ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા અમલી ‘રાષ્ટ્રીય વયોશ્રી યોજના’ અનેક વડીલો માટે સહાયરૂપ બની રહી છેરાજકોટ જિલ્લામાં કુલ ૧૬ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૪,૪૯૭ જેટલા સિનિયર સિટિઝનો માટે કુલ ૨૬,૭૩૩ જેટલા વિવિધ સહાયક ઉપકરણો મંજૂર કરવામાં આવ્યા છે, જેની અંદાજિત કિંમત રૂ. ૪.૬૬ કરોડથી વધુ છે. શહેરમાં પાંચ કેમ્પ યોજીને કુલ ૧,૨૪૫ વડીલોને સાધન વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તાલુકાઓમાં ગોંડલમાં ૨૨૯, જેતપુરમાં ૨૩૮, જસદણમાં ૪૫૫, પડધરીમાં ૪૪૧, લોધિકામાં ૧૫૪, રાજકોટ ગ્રામ્યમાં ૨૯૦, કોટડા સાંગાણીમાં ૨૬૮ અને વિંછીયામાં ૩૬૨ જેટલા લાભાર્થીઓને સાધનો મંજૂર કરાયા છે. જ્યારે ધોરાજી, જામકંડોરણા અને ઉપલેટા તાલુકાના લાભાર્થીઓ માટેનાં સાધનો તાલુકા કક્ષાએ પહોંચી ગયાં છે, જેનું ટૂંક સમયમાં વડીલોને વિતરણ કરવામાં આવશે.વિશ્વ સિનિયર સિટિઝન ડે માત્ર એક દિવસની ઉજવણી પૂરતો સીમિત ન રહેતાં, ‘વયોશ્રી યોજના’ જેવી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ થકી મળેલાં સહાયક ઉપકરણોની મદદથી વડીલોને ટેકો મળશે અને સાથે તેમનો આત્મવિશ્વાસ પણ વધશે.